સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટઃ 20 વર્ષમાં કુદરતી આફતો વધી, 12 લાખથી વધુ લોકો માર્યા ગયા
14, ઓક્ટોબર 2020

દિલ્હી-

છેલ્લાં 20 વર્ષમાં કુદરતી આફતોમાં બમણાથી વધુ વૃદ્ધિ થઇ છે. સંયુક્ત રાષ્ટ્રના હ્ય્šમન કોસ્ટ આફ ડિઝાસ્ટર્સ 2000-2019 રિપોર્ટમાં આ દાવો કરાયો છે, તે મુજબ વાવાઝોડું, દુકાળ, દાવાનળ તથા સર્વાધિક તાપમાનની ઘટનાઓમાં 20 વર્ષમાં 12 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે અને આ દુર્ઘટનાઓથી 420 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. તેનાથી વિશ્વને અંદાજે 225 લાખ કરોડ રૂ.નું નુકસાન થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ સર્વાધિક ખરાબ હવામાનની સંખ્યાબંધ ઘટનાઓ વિરુદ્ધ ખૂબ મુશ્કેલ લડાઇ લડી રહી છે. આબોહવા પરિવર્તનને કારણે સર્જાયેલી કટોકટીથી ઘણા લોકો બહુ ખરાબ રીતે અસરગ્રસ્ત છે.

વર્ષ 2019માં વૈશ્વિક સરેરાશ તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રીઅલ પિરિયડથી 1.1 ડિગ્રી વધુ હતું. તેની અસરથી ગરમ પવન, દુકાળ, પૂર, કાતિલ ઠંડી અને દાવાનળ જેવી સર્વાધિક આફતો આવી. વર્ષ 1997થી 2016 દરમિયાન જંગલોની આગે જીવાશ્મ ઇંધણ બળવાથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના 22ટકા જેટલા કાર્બનનું ઉત્સર્જન કર્યું. હાલ વિશ્વ 3.2 ડિગ્રી કે તેનાથી વધુ તાપમાન વૃદ્ધિના માર્ગે છે. ઔદ્યોગિક દેશોએ આગામી 10 વર્ષ સુધી ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન વાર્ષિક ઓછામાં ઓછું 7.2 ટકા જેટલું ઘટાડવું પડશે અને તો જ પેરિસ સમજૂતી મુજબ 1.5 ડિગ્રીનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે.

સંશોધકોના જણાવ્યાનુસાર ૨૦ વર્ષમાં કુદરતી આફતોમાં પૂરની 40% ઘટનાઓ છે. તેનાથી 165 કરોડ લોકોને અસર થઇ. વાવાઝોડાંની 28%, ભૂકંપની 8% અને સર્વાધિક તાપમાનની 6% આફતો આવી. રશિયા આ વર્ષે સપ્ટેમ્બરમાં 130 વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યું. રશિયન સ્ટેટ વેધર સર્વિસે તેની પુષ્ટિ કરી છે. વિશ્વના મોટા ભાગના દેશો આબોહવા પરિવર્તન સંબંધી સંકટોનો સામનો કરી રહ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution