કાનપુર, 

ઉત્તર પ્રદેશના કાનપુર પોલીસ હુમલામાં પોલીસકર્મીઓની હત્યા અને હથિયારાઓની લૂટ અંગે ફરિયાદ નોંધાઈ છે. વિકાસ દુબે સહિત 35 લોકો વિરુદ્ધ ચૌબેપુર પોલીસ મથકમાં FIR દાખલ કરાઈ છે.કાનપુર પોલીસના આઠ જવાનોએ શહીદ થયા બાદ કાનપુર રેન્જ પોલીસના મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર 50 હજારના ઈનામની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માહિતી આપનારને 50 હજારનું ઈનામ આપવામાં આવશે. જે માટે 9454 4,00,211 કૉલ કરવાનો રહેશે. કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યા સહિત કેસમાં 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

ગેંગસ્ટર વિકાસ દુબેને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે આ બાજુ ઉત્તર પ્રદેશ પોલીસે વિકાસ દુબેનું બિકરૂ ખાતે આવેલું ઘર પાડી દેવાનો નિર્ણય લીધો છે અને તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિકાસ દુબેને શોધવા માટે પોલીસની 20 ટીમ અલગ-અલગ વિસ્તારોમાં જ્યાં તેના સંબંધીઓ રહે છે ત્યાં દરોડા પાડી રહી છે. 

બને તેટલી ઝડપથી વિકાસની ધરપકડ કરી શકાય તે માટે આ મામલે પુછપરછ કરવા પોલીસે 12 લોકોને કસ્ટડીમાં લીધા છે. વિકાસ દુબે નેપાળ ભાગી જાય તેવી પણ આશંકા છે જેથી લખીમપુર ખીરી જિલ્લાની પોલીસ પણ એલર્ટ પર છે. લખીમપુર ખીરીના એસપી પૂનમે જણાવ્યું કે, 'વિકાસ દુબેને લઈ નેપાળ બોર્ડર પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અહીં નેપાળ સાથે જોડાયેલી 120 કિમી લાંબી સરહદ છે, ચાર થાણા છે અને દરેક જગ્યાએ તેનો ફોટો પહોંચાડી દેવાયો છે. એસએસબીના અધિકારીઓ સાથે પણ વાત થઈ ગઈ છે અને સરહદ પર એલર્ટને લઈ તપાસ ચાલી રહી છે.' 

પોલીસે મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પુછપરછ ચાલુ છે. આ તમામ લોકોએ છેલ્લા 24 કલાકમાં વિકાસ દુબે સાથે વાત કરી હતી. વિકાસ સાથે વાત કરી હોય તેવા લોકોમાં કેટલાક પોલીસ કર્મચારીઓના નામ પણ છે. આ કારણે પોલીસની ટીમ વિકાસની પુછપરછ માટે નીકળી હોય ત્યારે કોઈએ ફોન દ્વારા પહેલેથી જ જાણ કરી દીધી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. 

મળતી માહિતી મુજબ ચૌબેપુર થાણાના એક ઈન્સપેક્ટરે વિકાસને સૌથી પહેલા પોલીસના આગમનની જાણ કરી હતી. એક ઈન્સપેક્ટર, એક સિપાહી અને એક હોમગાર્ડ આ ત્રણેય શંકાના ઘેરામાં છે અને તેમની કોલ ડિટેઈલના આધારે પુછપરછ કરવામાં આવી રહી છે.