ભુજ-

કચ્છમાં કોવીડ વેકસીનેશન મહાઅભિયાન ૨૦૨૧નો ભુજ તાલુકાના ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આરંભ થયો છે. માજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંપ્રધાન વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, “ કોરોનાને હરાવવા રસી જ રામબાણ ઈલાજ છે. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ ૧૯ના સંક્રમણને રોકવા સરકાર પ્રતિબધ્ધ અને પ્રયત્નશીલ છે.

૨૧ જુન ૨૦૨૧ સુધી ગુજરાતે ૨ કરોડ ૨૦ લાખ લોકોને વેકસીનેશન કરાવી નોંધનીય કામગીરી કરી છે. જેમાં કચ્છ જિલ્લાએ પણ દાતાઓ અને જનસહયોગથી કોરોનાને મ્હાત આપવા પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. હોવાનું તેમણે ઉમેર્યુ હતું.કલેકટર પ્રવિણા ડી.કે. એ આ તકે કોરોના રસીકરણમાં ઉદાહરણરૂપ કામગીરી દેખાડીએ એમ આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું. ધાણેટી ગામમાંથી જિલ્લા કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે ત્યારે ધાણેટી સહિત આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ અન્ય ૩૩ આરોગ્ય કેન્દ્રોમાં પણ ૧૦૦ ટકા કોરોના રસીકરણની કામગીરી થશે એમ તેમણે આશા વ્યકત કરી હતી. તેમણે રસીકરણ મહાઅભિયાનના ત્રણ તબક્કા હેઠળ ઘેર બેઠાં વેકસીનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ થાય તેમજ રસીથી કોઇ વંચિત ન રહી જાય તે જોવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. નવનિયુકત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પણ આ તકે કચ્છ વહીવટી તંત્રનો તમામ ક્ષેત્રે જનતાને સહયોગ રહેશે એમ સઘિયારો આપ્યો હતો. ઉપસ્થિત રસી લેનાર લાભાર્થી નારણભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, સરકારનું આ પ્રશંસનીય પગલું છે હવે તમામને સરળતાથી રસી ઝડપથી ઘેર બેઠાં પણ મળી શકશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છમાં આજે ૨૫ સ્થળોએથી વિવિધ પદાધિકારીઓ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે.