વડોદરા: કોવિડ કેરમાં ફરજ બજાવતી નર્સની આડા સંબંધની શંકાએ પતિએ જ કરી હત્યા
05, ડિસેમ્બર 2020

વડોદરા-

વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે કોવિડ કેરમાં ફરજ બજાવતી નર્સની શુક્રવારે મોડી રાત્રે ન્યુ વી.આઇ.પી. રોડ પર વૈકુંઠ સોસાયટી પાસેથી મળી આવેલ મૃતદેહનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઇ ગયો હતો. મૃતક નર્સની તેના પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીને હાલમાં ડેપ્યુટેશન પર ગોત્રી હોસ્પિટલમાં કોવિડ કેરમાં ફરજ સોંપવામાં આવી હતી. તેના આડા સંબધોની શંકામાં પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ.   સૂત્રોના જણાવ્યા અનુસાર આજવા રોડ પર આવેલ અમરદીપ હોસ્મ ખાતે રહેતી શિલ્પા જયેશભાઇ પટેલ (ઉ. ૩૯) મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા કેટલાક સમયથી તેને ગોત્રી હોસ્પિટલ ખાતે કોવિડ કેરમાં ફરજ સોંપવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઇકાલે રાત્રે તે તેના ઘેરથી એક્ટિવા લઇને નોકરી જવા માટે નીકળી હતી. આ દરમિયાન તેની લાશ લોહીલુહાણ હાલતમાં ન્યુ વી.આઇ.પી. રોડ પરથી મળી આવી હતી. 

પોલીસને આ અંગેની જાણ થતાં દોડી ગયેલી હરણી પોલીસ મથકની ટીમે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતાં તેની હત્યા થઇ હોવાનું જણાઇ આવ્યુ હતુ. આ હત્યા તેના પતિ જયેશ પટેલ દ્વારા જ કરવામાં આવી હોવાનું પણ બહાર આવતાં પોલીસે રાત્રે જ તેની અટકાયત કરી હતી. શિલ્પા પટેલ તેના ઘેરથી નિકળી ત્યારે તેનો પીછો કરીને જયેશ પટેલ પણ બીજા વેહીકલ પર નિકળ્યો હતો. વૈકુંઠ -૨ સોસાયટી પાસે તેની પત્નીને પાછળના ભાગેથી માથામાં બોથડ પદાર્થના ફટકા મારીને તેની હત્યા કરી હતી. તેના પતી જયેશ પટેલને શિલ્પા પટેલના અન્ય કોઇ વ્યક્તિ સાથે આડા સબંધ હોવાની શંકા હોવાથી તેણે હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution