વડોદરા-

આ વર્ષે ઉત્તરાયણની ફિક્કી ઉજવણીમાં પણ દોરીથી મોત થયાના કિસ્સા ઘટ્યા નથી. છેલ્લાં ચાર દિવસમાં પતંગની દોરીથી અનેક લોકોના મોત થયા છે, તો કેટલાક ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આજે સવારે વડોદરાના વડસર બ્રિજ ઉતરતા સમયે પતંગના દોરાથી દાહોદના મજૂરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા બાદ શખ્સ રોડ પર તરફડિયા મારતો હતો. આખરે તેણે દમ તોડ્યો હતો. મૂળ દાહોદનો રહેવાસી બાબુભાઈ બારિયા નામનો યુવક ઘર બાંધવાનું કામ કરે છે. મજૂરી કામ કરતો આ યુવક પત્ની અને ભાઈ સાથે રહેતો હતો. તે આજે સવારે વડોદરાની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરવા નીકળ્યો હતો. આજે વહેલી સવારે બાબુભાઈ બારીયા પોતાની બાઈક પર વડસરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ હતી. ત્યારે તે બાઈક સાથે નીચે ફસડાઈ પડ્યો હતો. જોકે, ઘટના બાદ 108 એમ્બ્યુલન્સને ફોન કરાયો હતો. જોકે તે પહેલા યુવકે રસ્તા પર જ દમ તોડ્યો હતો. માંજલપુર પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.