વડોદરા-

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે ભાજપ યુવા મોરચા પાદરા દ્વારા બાઈક રેલી યોજી હતી. DJ સાથે આયોજીત બાઈક રેલીમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતાં પાદરા પોલીસે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવા પાદરા જિલ્લા અને પાદરા નગર ભાજપ યુવા મોરચા દ્વારા ડીજે મ્યુઝિક સાથે બાઈક રેલી યોજી હતી. જેમાં પોલીસની પરવાનગી નહીં લેતા તેમજ યુવા કાર્યકરો માસ્ક વિના બાઈક રેલીમાં નજરે પડતાં પાદરા પોલીસે રેલીના મુખ્ય આયોજક પાદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને પાદરા નગરના ભાજપા યુવા મોરચાના મહામંત્રીની વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી, જ્યારે 12 જેટલા કાર્યકરો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલ્યો હતો.

આ અંગે માહિતી આપતા DySP. હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું કે, ગત રોજ સાંજના સમયે ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન થયું હતું. જે વાત ધ્યાને આવતા પોલીસે તેમની વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપ યુવા મોરચા દ્વારા DJ મ્યુઝિક સાથે બાઈક રેલી યોજી હતી. જેની પોલીસ પરવાનગી પણ લીધી નહોતી. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈનનું પણ આ બાઈક રેલીમાં ઉલ્લંઘન થયું હતું. જેથી 2 મુખ્ય આયોજક જિલ્લા યુવા મોરચા મંત્રી અને પાદરા નગર યુવા મોરચા મહામંત્રી સહિત માસ્ક નહીં પહેરનારા અંદાજે 12 જેટલા કાર્યકરો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો, જ્યારે માસ્ક નહીં પહેરનારા કાર્યકરો પાસેથી દંડ વસૂલીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.