વડોદરા: એક લાખની લાંચ લેતાં મામલતદાર-નાયબ મામલતદારને ACBએ ઝડપ્યા
13, ઓક્ટોબર 2020

વડોદરા-

વડોદરામાં એન્ટી કરપ્શન બ્યુરોએ રૂા.એક લાખની લાંચ લેતાં મામલતદાર અને નાયબ મામલતદારને રંગેહાથે ઝડપી લેતાં મહેસૂલી અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ બન્ને અધિકારીએ માટીકામનો પરવાનો આપવાના બદલામાં લાંચ માગી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે. એસીબીએ બન્નેને રંગેહાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર તરીકે કાર્યરત બે અધિકારીઓએ માટીકામનો પરવાનો આપવા માટે મોટી રકમની માંગણી કરી હતી. આ પછી રકઝકના અંતે રૂા.એક લાખ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે તે વ્યક્તિને લાંચ આપવાનું મંજૂર ન હોય તેણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. આ પછી એસીબીએ છટકું ગોઠવીને રૂા.1 લાખની રોકડ લેતાં મામલતદાર અને નાયબ મામલતદારને રંગેહાથે પકડી પાડ્યા હતા. એસીબીના છટકામાં મામલતદાર અને નાયબ મામલતદાર સપડાઈ ગયા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મહેસૂલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બન્નેની ધરપકડ કરી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution