વલસાડ-

જિલ્લાના વાપી અને સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીમાં સટ્ટા બેટિંગ અને વર્લી મટકા જુગારના ધંધામાં નામચીન એવા સાજનના સાગરીત રહેમતુલ્લા ઉર્ફે રમેશ ચપટો સલીમ શેખને 54,700ના મુદ્દામાલ સાથે વાપી ટાઉન પોલીસે દબોચી લીધો હતો, ત્યાર બાદ આ કેસમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર સાજન અને તેના સાગરીત પર પોલીસે સિકંજો કસતા સામેથી વાપી પોલીસ મથકમાં હાજર થયો હતો. આરોપી મહંમદ અફઝલ ઉર્ફે સાજન મહંમદ હુસેન ડોલા વર્લી મટકાના ગેરકાનૂની ધંધા સાથે સંકળાયેલો શખ્સ છે. વર્લી મટકા, IPL સટ્ટા બેટિંગ, દેહ વ્યાપાર, જુગારના અડ્ડા ચલાવવા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વોન્ટેડ આરોપી મહંમદ અફઝલ ઉર્ફે સાજન મહંમદ હુસેન ડોલા અને અમિત ઉર્ફે ઝોન અમીર સુરાની જુગાર ધારાની કલમમાં વાપી પોલીસ મથકે સામેથી હાજર થયા હતાં. પોલીસે બંને મુખ્ય સૂત્રધારની અટક કરી હતી. જે બાદ આરોપીઓએ જામીનની અરજી કરતા ગણતરીના કલાકોમાં જામીન મેળવી જતા રહ્યાં હતાં.

આ સમગ્ર ગેરકાનૂની પ્રવૃત્તિમાં સાજન મુખ્ય સૂત્રધાર હોવાનું અને તે બાદ ઝોન, નયન, જગદીશ નામના તેમના સાગરીતો રમેશ ચપટા સલીમ શેખને આંકડા આપતા હોવાનું અને તે આંકડા દ્વારા રમેશ ચપટો બાઇક પર વાપીના મુખ્ય માર્ગો પર ફરી બેટિંગ કરાવી કટિંગ ઉઘરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.ઉલ્લેખનીય છે કે, સાજન અને તેના સાગરીતો છેલ્લા કેટલાક વર્ષોથી વર્લી મટકા, સટ્ટા બેટિંગ, દેહવ્યાપાર માટે યુવતીઓ પુરી પાડવી જેવા ગેરકાનૂની ધંધામાં સંકળાયેલા છે. તેઓએ કેટલાય યુવાનોને વર્લી મટકાના રવાડે ચડાવી સટોડીયા બનાવી દીધા છે. ત્યારે મહંમદ અફઝલ ઉર્ફે સાજન મહંમદ હુસેન ડોલાના ધંધાનો વાપી ટાઉન પોલીસે પર્દાફાશ કરતા અનેક ધમપછાડા બાદ વાપી પોલીસ સ્ટેશને હાજરી નોંધાવવા આવવું પડ્યું હતું. જેને લઈને અન્ય સટોડીયાઓમાં ફફડાટ ફેલાયો છે.