ચોરીના રૂપિયામાંથી ચોરે ખરીદેલી કાર પર પીડિતનો હક્કઃ હાઈકોર્ટ
25, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

કોઈના ઘરમાંથી રૂપિયાની ચોરી થાય અને એ રૂપિયામાંથી ચોર કોઈ વસ્તુ ખરીદી લે અને તે પાછી બીજા કોઈના નામે લેવામાં આવી હોય તો એ વસ્તુ પર કોનો અધિકાર કહેવાય? ગુજરાત હાઈકોર્ટે ચોરીના આવા જ એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ચોરીના એક કેસમાં ચોરીના રૂપિયામાંથી ચોરે એક કાર ખરીદી લીધી હતી. ગુજરાત હાઈકોર્ટે આ કાર જેના ઘરમાંથી ચોરી થઈ હતી તે પીડિતના નામે ટ્રાન્સફર કરી આપવા આદેશ આપ્યો છે. ચોરે ચોરીના રૂપિયામાંથી કાર ખરીદીને તેનું રજિસ્ટ્રેશન પોતાના પુત્રના નામે કરાવ્યું હતું.કોર્ટે કહ્યું છે કે, ચોરીના પૈસામાંથી ખરીદેલી કાર ઉપર પીડિતનો હક્ક કહેવાય. વર્ષ ૨૦૧૮માં નીચલી કોર્ટે કારની કસ્ટડી કથિત આરોપીના પુત્રને સોંપવાનો આદેશ આપ્યો હતો.

આ કાર તેના નામે રજિસ્ટર્ડ હોવાના આધાર પર કોર્ટે એ ચુકાદો આપ્યો હતો. જાેકે, ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે એ કાર ફરિયાદીને સોંપવા આદેશ આપ્યો છે, કે જેના ઘરેથી ચોરેલા રૂપિયામાંથી તે ખરીદવામાં આવી હતી. હાઈકોર્ટે કાર હેન્ડ ઓવર કરાવવાની પ્રક્રિયા હાથ ધરવા અને આરટીઓ રેકોર્ડમાં નામ ટ્રાન્સફર કરવાની બધી જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે. વર્ષ ૨૦૧૮માં અમદાવાદના સેટેલાઈટમાં રહેતા શરદચંદ્ર શાહના ઘરમાંથી રોકડ અને ઘરેણા મળીને કુલ રૂ. ૧૯.૫ લાખની મત્તાની ચોરી થઈ હતી.

જે અંગે તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી થયાના થોડા મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર ચોરોને પકડ્યા હતા. જેમાંથી એક સુરેશ મકવાણા નામના શખસે શરદચંદ્રના ઘર ઉપરાંત શહેરમાં ઘણી જગ્યાએ ચોરી કયર્નું કબુલ્યું હતું. જ્યારે પોલીસે ચોરીના રુપિયા અંગે પૂછ્યું તો, મકવાણાએ જણાવ્યું કે તેમાંથી તેણે પોતાના પુત્ર સંજયના લગ્ન માટે ૧૧ લાખ રૂપિયાની કાર ખરીદી છે. એ કાર સંજયના નામે જ રજિસ્ટર્ડ હતી. પોલીસે કાર જપ્ત કરી લીધી હતી. જ્યારે શાહે ચોરાયેલી વસ્તુઓ અને એ કારની કસ્ટડી માંગી, તો નીચલી કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. નીચલી કોર્ટે કારની કસ્ટડી મકવાણાના પુત્રને આપી હતી કેમકે તે તેના નામે રજિસ્ટર્ડ થયેલી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution