વિકાસ દુબે એન્કાઉન્ટર બનાવટી નથી, આત્મરક્ષામાં ચલાવી ગોળીઓ: UP સરકાર
17, જુલાઈ 2020

 દિલ્હી-

ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ નોંધાવી દીધું છે. યુપી સરકારના કહેવા પ્રમાણે આ સમગ્ર કેસની તપાસ માટે આયોગની રચના કરી દેવાઈ છે. વિકાસ દુબે એક ખૂંખાર ગેંગસ્ટર હતો જેણે નિર્દયતાપૂર્વક આઠ પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. આ એન્કાઉન્ટરને લઈ લોકોના મનમાં અનેક પ્રકારની ખોટી ધારણાઓ છે.

સોગંદનામામાં યોગી સરકારે જણાવ્યું છે કે, વરસાદ અને તેજ ગતિના કારણે વાહન પલટી ગયું હતું. વાહનમાં સવાર પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. વિકાસ દુબેએ ઘાયલ કર્મચારીઓ પૈકીના એકની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેને આત્મસમર્પણ માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેના બદલે તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે જે રીતે કોર્ટે હૈદરાબાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના મોનિટરિંગ અંતર્ગત તપાસનો આદેશ આપેલો તે જ રીતે અમે આ કેસમાં પણ વિચારી રહ્યા છીએ. આ વર્ષની શરૂઆતમાં હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં પોતાના આદેશનો હવાલો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમે કશુંક કરી શકીએ છીએ જેમ અમે ત્યાં કર્યું હતું.

મુંબઈના વકીલ ઘનશ્યામ ઉપાધ્યાય અને વકીલ અનૂપ અવસ્થીએ આ કેસ મામલે જનહિતની અરજી દાખલ કરી છે. અરજીમાં યુપી પોલીસની ભૂમિકાની તપાસની માંગ કરવામાં આવી છે. જાે કે તે અરજી અથડામણ પહેલા મોડી રાતે નોંધાઈ હતી જેમાં વિકાસ દુબેનું એન્કાઉન્ટર થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution