05, સપ્ટેમ્બર 2024
ર્જળા કર્મ અંતર્ગત ત્રીરત્નોમાં આવતા સમ્યક આચરણમાં શ્રમણને પાંચ મહાવ્રત અને શ્રાવક એટલેકે ગૃહસ્થને બાર વ્રત આપવામાં આવ્યા છે.
શ્રમણના પાંચ મહાવ્રતઃ સંન્યાસીઓના પાંચ મહાવ્રતમાં પહેલું છે અહિંસા. સંન્યાસીઓ માટે કુલ ૧૦૮ પ્રકારની હિંસા કરવાની ના પાડવામાં આવી છે. જેમાં પ્રતિકાર હિંસા એટલે કે સ્વબચાવ માટે હિંસા કરવાની પણ ના પડાઈ છે. સાથે નાના જીવાણુઓ, સૂક્ષ્મ જીવો અને રસ્તા પર ચાલતી કીડીઓ સુધીની હિંસા ન થાય તે માટેના કઠોર નિયમો છે. એવા કઠોર નિયમો કે જેમાં સાધકનું ધ્યાન આત્મ જાગૃતિની સાધનાથી વધુ ‘કોઈ અદ્રશ્ય સુક્ષ્મ જીવ નહીં મરતું હોય ને’ - ક્ષણે ક્ષણે એ સંભાળવામાં રહે.જૈન ધર્મના અલ્પ ફેલાવા પાછળ શરીરને સૂકવવાના કઠોર સંવર કર્મો ઉપરાંત અહિંસાના નિયમો કારણભૂત હોઈ શકે છે.
પણ એ સિવાયના સંપૂર્ણ સમ્યક આચરણના વ્રત હિંદુ જીવન પદ્ધતિમાં ઉચ્ચ તપસ્યા અને પવિત્રતાના માપદંડ ગણાય છે, જેમણે સમયે સમયે સનાતન ધર્મના સંન્યાસીઓને પણ ભટકતાં રોકવામાં મદદ કરી છે.
અહિંસા પછી આવે છે સત્ય, જેનો અર્થ વાણી અને કર્મની એકરૂપતા રૂપે કરવામાં આવ્યો છે. જે જેવું છે તેવું જ બોલવું એ સત્ય છે. જૂઠ ન બોલવું, જે છે તેનાથી અન્યથા બોલવું, કે સત્ય જાણવા છતાં ન બોલવું એ બધું અસત્યનું આચરણ ગણાય છે. અસ્તેય અર્થાત્ જેના પર તમારો અધિકાર સિધ્ધ ન હોય એ વસ્તુ લેવાની કોશિશ ન કરવી. પહેલાં કોઇપણ વસ્તુ પર તમારો અધિકાર સિદ્ધ કરવો અને પછી જેટલો અધિકાર સિદ્ધ થયો હોય તેટલા પ્રમાણમાં જ એ વસ્તુ લેવી. ચોથું મહાવ્રત છે અપરિગ્રહ જે જૈન ધર્મમાં પાયારૂપ ગણાય છે. જરૂરિયાતથી વધુ કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. આ સિદ્ધાંત સંન્યાસીઓ માટે કઠોર માનવામાં આવે છે. શરીરને ઢાંકી શકાય એટલું લપેટવા જેટલું એક જ કપડું રાખવું. એથી વિશેષ નહિ. દિગંબર માટે તો એ પણ નહીં. સવાર અને સાંજ એક મુઠ્ઠીમાં જેટલું અનાજ આવે એટલું અનાજ જ જમવું. પાંચમું મહાવ્રત છે બ્રહ્મચર્ય. જૈન ધર્મમાં બ્રહ્મચર્ય ઘણું વ્યાપક છે. તેમાં સ્ત્રીનું મુખ ન જાેવું, તેનો સ્પર્શ સંપૂર્ણ વર્જિત હોવો, એકલી સ્ત્રી હોય ત્યાં હાજર નહીં રહેવું, કામ પ્રગટાવે તેવા શબ્દ ન સાંભળવા, નૃત્ય ન જાેવા. પોતાનાથી મોટી સ્ત્રીને માતા, સમાન ઉંમરની સ્ત્રીને બહેન અને નાની સ્ત્રીને દીકરી તરીકે જ દ્રષ્ટિ નાખવી. શરીર પર તેલનું મર્દન નહિ કરાવવું, કારણકે તેનાથી કામ પ્રગટે છે. જરૂરથી ઓછું ભોજન કરવું. વધારે ભોજન કરવું પણ બ્રહ્મચર્યનું ખંડન છે. કોઈપણ જાતનો નશો કરવો કે માદક પદાર્થ લેવા એ પણ બ્રહ્મચર્યનો નાશ કરે છે.
શ્રાવકના ૧૨ વ્રતઃશ્રાવકો માટે જૈન ધર્મમાં મોક્ષ માટે જે ૧૨ વ્રત રાખવાનું કહેવામાં આવે છે તેમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત છે.
પાંચ અણુવ્રતઃ અણુવ્રતમાં પહેલું વ્રત છે અહિંસા. ગૃહસ્થો માટે અહિંસાના સિદ્ધાન્તમાં મુખ્યત્વે ભાવ શુદ્ધતા પર ભાર મૂકાયો છે. આત્મામાં કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ ભાવ રાખવો એજ મૂળ હિંસા છે, પછી બહાર હિંસા થઈ હોય કે ન થઈ હોય. આત્મા રાગ અને દ્વેષથી મુક્ત થઈ જતાં જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તેને કષાયભાવ કહે છે. ગૃહસ્થ માટે મેળવવા લાયક આ મૂળ લક્ષ્ય છે. ભાવ કે દ્રવ્યથી સામેવાળાના ર્નિદય પરિણામ હેતુ જે હિંસા થાય છે તે સંકલ્પી હિંસા છે. વ્યાપાર જેવા કાર્યોમાં તથા ગૃહસ્થીમાં અજાણતા બીજાના નુકશાન રૂપે જે હિંસા થાય છે તે ઉદ્યોગી હિંસા કહેવાય છે. પ્રતિકાર રૂપે સ્વબચાવમાં જે હિંસા થાય છે તેને વિરોધી હિંસા કહેવાય છે. આમાં પહેલી સંકલ્પી હિંસા ટાળવાની સાધના કરવી એ મુખ્ય વ્રત છે, બીજી ત્રણ હિંસાઓ ગૃહસ્થો માટે દ્વેષભાવરહિત સંજાેગોમાં થાય તો માફ છે.
પછી આવે છે સત્ય વ્રત જેમાં આળસના કારણે એટલેકે સંઘર્ષના ડરથી અસત્ય બોલવું, કે ગોળ ગોળ બોલવું, કે ચૂપ રહી જવું કે ગર્ભિત વચન બોલવું જેનો અર્થ સ્પષ્ટ ન હોય તે અસત્યનું પાલન છે.ગૃહસ્થે તેનાથી બચવાનું છે.
અસ્તેયના વ્રતમાં ચોરી કરીને કે કોઈને પૂછ્યા વિના કંઈ પણ ગ્રહણ કરી લેવાની મનાઈ છે. મતલબ જે બીજાનું છે તે પણ તમે તેની પરવાનગીથી માંગીને મેળવી શકો. સંન્યાસીઓ માટે માંગવાનું નહીં, જેટલો તેનો અધિકાર સિદ્ધ થયેલો હોય તેટલું જ ગ્રહણ કરવાનું વ્રત હતું.
ગૃહસ્થ માટે પોતાની સ્ત્રી કે પોતાના પુરુષમાં સંતુષ્ટ રહેવું એ બ્રહ્મચર્યનું વ્રત છે. પરસ્ત્રીને જેમ સંન્યાસી દરેક સ્ત્રીને જુએ છે તેમ જાેવાનો નિયમ છે. મોટી સ્ત્રી માતા, સમાન વયની સ્ત્રી બહેન અને નાની સ્ત્રી દીકરી.
અપરિગ્રહના વ્રતમાં આત્માથી ભિન્ન પર પદાર્થોથી મમત્વ દૂર કરવાનું આધ્યાત્મિક કાર્ય કરવાનું છે. જેમાં જમીન- મકાન, સોના ચાંદી, નોકર, ધન વગેરે બહિરંગ વસ્તુઓ અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે અંતરંગ વસ્તુઓના સંગ્રહથી પોતાને દૂર રાખવી તે અપરિગ્રહ છે. કષાયભાવ પ્રાપ્ત કરી લેવાથી અંતરંગ પરિગ્રહથી મુકિત મળે છે, અને બાહ્ય પરિગ્રહની સીમાઓ નિર્ધારિત થતી જાય છે.
ત્રણ ગુણ વ્રત
પહેલું ગુણ વ્રત છે દિગવ્રત. તેમાં ગૃહસ્થ રાગદ્વેષરહિત કષાયભાવ જેમ જેમ જાગે તેમ તેના પ્રવાસ અને આવાગમનની સીમાઓ નક્કી કરી લે છે, અને તેનું ઉલ્લંઘન નથી કરતો. અર્થાત્ ઈન્દ્રિયસુખ માટે કે દેખાડા માટે અર્થહીન ભટકતો નથી. બીજું છે દેશવ્રત, જેમાં દીગવ્રતમાં નક્કી કરેલી સીમાઓમાં પણ મહિના, અઠવાડિયા, દિવસ, કલાકો અને ક્ષણોની મર્યાદા આવતી જાય છે. અર્થાત્ નિશ્ચિત પ્રદેશમાં પણ કેટલા સમય સુધી ક્યાં રહેવું એ નક્કી થતું જાય છે. ત્રીજું છે અનર્થદંડવત, જેમાં વ્યક્તિ અપ્રયોજનીય સ્થાવર હિંસાને પણ ત્યાગવા લાગે છે, જેમ કે વગર કારણે જમીન ખોદવી, પાણી ઢોળવું, આગ સળગાવવી, વાયુ સંચાર કરવો, વનસ્પતિનો છેદ કરવો વગેરે જેવા કાર્યોનો ત્યાગ.
ચાર શિક્ષા વ્રત
પહેલું શિક્ષા વ્રત છે સામાયિક વ્રત. તમામ દ્રવ્યોમાં રાગ-દ્વેષ ત્યાગી સમતા ભાવ મેળવી આત્મભાવની પ્રાપ્તિ કરી લેવી એ સામાયિક વ્રત છે. દિવસમાં ત્રણ વાર; સવારે, બપોરે અને સાંજે એકાંતમાં જઇ આ સામાયિક વ્રત કરવાનો નિયમ છે. બીજું છે પ્રોષધોપવાસ વ્રત. એમાં રાગ-દ્વેષ સાથે વિષય અને આહારનો પણ ત્યાગ કરી આત્મભાવ સાથે રહેવાનું હોય છે. એટલે કે એ રીતે પ્રત્યેક આઠમ અને ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. ત્રીજું છે ભોગ-ઉપભોગપરિમાણ વ્રત. જેટલી જરૂર છે એટલા પરિગ્રહ કરેલા સંશાધનોમાં પણ રાગ-દ્વેષ ઓછો કરી ભોગ અને ઉપભોગનું પ્રમાણ ઘટાડવું એ આ વ્રતમાં આવે છે. પાંચ ઈન્દ્રિયોમાં જે એકવાર ભોગવવામાં આવી શકે તેને ભોગ અને જે વારંવાર ભોગવામાં આવી શકે તેને ઉપભોગ કહે છે. ચોથું છે અતિથિ સંવિભાગવ્રત, જેમાં મુનિ, વ્રત કરનાર ગૃહસ્થ અને વ્રત ન કરનાર ગૃહસ્થ એ ત્રણેય પ્રકારનાં પાત્રોને પોતાના ભોજનમાંથી વિધિપૂર્વક દાન કરવાનું કહેવામાં આવે છે.