અમદાવાદ-

મોબાઈલ ફોનમાં જાે ગૂગલ પર સર્ચ કરતા હોવ અને અજાણી કોઈ લિંક હોય તો તેના પર ક્લિક કરતા ૧૦૦ વાર વિચાર કરજાે. કારણકે તેના પર ક્લિક કરતા જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. સ્ક્રેચ એન્ડ વિનના નામે લિંક પર ક્લિક કરતા જ એકાઉન્ટમાં પૈસા આવવાની જગ્યાએ ઉપડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે. ડૉક્ટરે એક લિંક પર ક્લિક કરતા તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. આ પૈસાની રકમ ખૂબ મામુલી છે પરંતુ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આનો શિકાર ન બમને અને કોઈનું મોટું નુકશાન ન થાય તે માટે તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

છેતરપિંડીના આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના શાહીબાગમાં રહેતા ડોકટરે મોબાઈલમાં સ્ક્રેચ એન્ડ વિન ૪૯૯ની લિંક પર ક્લિક કરી સ્ક્રેચ કર્યું હતું. જેમાં એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા બેન્ક એકાઉન્ટ માગ્યું હતું. એકાઉન્ટ સિલેક્ટ કરતા પિન નંબર ડોકટરે નાખ્યો હતો અને ખાતામાંથી રૂ. ૪૯૯ આવવાની જગ્યાએ ઉપડી ગયા હતા. ડોકટરે આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શાહીબાગમાં ડો. રાજેશ ખટવાની પરિવાર સાથે રહે છે. ડો. રાજેશ ગત નવેમ્બર માસમાં ગુગલ પર સર્ચ કરી રહ્યાં હતાં. દરમ્યાનમાં તેમને ફોન પે રિવર્ડની એક લિંક આવી હતી. જેમાં સ્ક્રેચ એન્ડ વિન લખેલું હતું.

જેમાં સ્ક્રેચ કરતા યુ વોન ૪૯૯ લખેલું હતું. તેઓ ૪૯૯ જીત્યા છે અને કલેમ કરવાનું કહેતા સામેથી એક એકાઉન્ટ બતાવ્યું હતું. ડો. રાજેશે તેમના ફોનમાં બે બેંક એકાઉન્ટ છે જેમાંથી યુનિયન બેકનું એકાઉન્ટ સિલેક્ટ કરી પિન નંબર દાખલ કર્યો હતો. નંબર નાખતા જ ખાતામાંથી રૂ. ૪૯૯ સામેવાળાના ખાતામાં જમા થઈ ગયા હતા. આ મામલે ડો. રાજેશે સાયબર ક્રાઈમ પોર્ટલ પર અરજી કર્યા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.