નર્મદા -

નર્મદા જિલ્લામાં 28 મી સપ્ટેમ્બરે એક જ રાતમાં ધોધમાર વરસાદ પડતાં જળ બંબાકારની સ્થિતિ પેદા થઈ હતી.કરજણ ડેમના ઉપરવાસ ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી હતી, જેથી કરજણ ડેમનું રુલ લેવલ જાળવવા માટે તંત્રએ 29 મી સપ્ટેમ્બરે 9 ગેટ ખોલી 1.60 લાખ ક્યુસેક પાણી છોડતા નીચાણવાળા વિસ્તારના ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા, અમુક ખેતરોમાં પાણી ઓસરી ગયા હતા જ્યારે અમુક ખેતરોમાં પાણી ઓસર્યા નથી.

કરજણ ડેમ માંથી છોડાયેલા પાણીના ધસમસતા પ્રવાહને લીધે રાજપીપળાના કરજણ ઓવારે નવો બનાવાયેલા રામગઢ બ્રિજના ત્રીજા પિલ્લરમાં નુકશાન થયું હતું તો બીજી બાજુ ત્યાં નજીકમાં જ રાજપીપળા અને રામગઢને જોડતું નાળુ પણ તૂટી ગયું હતું, જ્યારે પાણીના પ્રવાહને લીધે તલકેશ્વર મહાદેવ મંદિરની દીવાલો પણ ધરાસાઈ થઈ હતી જોકે મંદીરના પૂજારી સહીત એમના પરિવારને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.

બીજી બાજુ કરજણ ડેમ માંથી છોડાયેલું પાણી આસપાસના નાંદોદ તાલુકાના 5 થી 10 ગામના ખેતરમાં ઘુસી જતા હજારો એકર કેળનો પાક નષ્ટ થયો હતો, જેને પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ખેડૂતોનું કેહવું છે કે અગાઉની ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતા એ નુકશાની વળતર હજુ સુધી મળી નથી તો આ વખતની નુકશાનીનું વળતર ક્યારે મળશે.નાંદોદ તાલુકાના ખેડૂતોએ રોષે ભરાઈ જણાવ્યું હતું કે કરજણ ડેમના અધિકારીઓ અચાનક વધુ પાણી છોડે અને તરત પાણી બંધ કરી દે છે, અધિકારીઓના આવા મનસ્વી વહીવટને લીધે કાંઠા વિસ્તારના ગામોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકશાન થાય છે.હાલમાં અમારા ખેતરની ફેન્સીગ તૂટી ગઈ છે, મોટરો બળી ગઈ છે અને સિંચાઈનો સામાન તણાઈ ગયો છે.જેથી મનસ્વી વહીવટ કરતા કરજણ ડેમના અધિકારીઓને છુટા કરી અમારી નુકશાનીનું યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે.