કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં આવનાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. શુક્રવારના રોજ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લાં કેટલાંક દિવસથી તેમણે બગાવતના સૂર અપનાવ્યા હતા. આપને જણાવી દઇએ કે સુવેંદુ અધિકારી મમતા સરકારમાં પરિવહન મંત્રીના પદ પર તૈનાત હતા અને બંગાળના રાજકારણમાં મોટો રૂતબો ધરાવે છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી તેઓ ભાજપમાં જશે તેવી અટકળો તેજ હતી. આ બધાની વચ્ચે આજે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવ્યા છે.

સુવેંદુ અધિકારીએ પહેલાં હુગલી રિવર બ્રીજ કમિશનમાંથી પોતાનું રાજીનામું સોંપ્યું હતું અને હવે મંત્રી પદ પણ ત્યાગી દીધું છે. મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપતા સુવેંદુએ લખ્યું કે હું મંત્રી પદ પરથી રાજીનામું આપું છું, મેં રાજ્યપાલને આ અંગે માહિતી આપી દીધી છે. તમે મને રાજ્યની સેવા કરનાવી તક આપી તેના માટે તમારો આભાર. આપને જણાવી દઇએ કે બંગાળમાં થનાર ચૂંટણી પહેલાં ભાજપ રાજ્યમાં એક્ટિવ થઇ ગઇ છે. ભાજપનો દાવો છે કે મોટી સંખ્યામાં ટીએમસીના નેતા, કાર્યકર્તા તેમની સાથે આવવા માંગે છે. એવામાં સુવેંદુ અધિકારીના રજીનામાંને તેની સાથે જાેડી રહ્યા છે.

સાંસદ તરીકે લો-પ્રોફાઇલ રહેલા સુવેંદુ પોતાના સાંગઠનિક કૌશલના લીધે ટીએમસીમાં એક વૈકલ્પિક પાવર સેન્ટર તરીકે ઉભર્યા છે. બે વખત સાંસદ રહી ચૂકેલા સુવેંદુ નંદીગ્રામ આંદોલન દરમ્યાન ચર્ચામાં આવ્યા હતા. શુક્રવારના રોજ જ ટીએમસીના ધારાસભ્ય મિહિર ગોસ્વામી ભાજપમાં સામેલ થશે. મિહિર દિલ્હીમાં છે અને ભાજપ સાંસદ નિશિતની હાજરીમાં ભાજપની સભ્યતા લેશે. મિહિર ગોસ્વામી ૧૯૯૮થી જ ટીએમસીની સાથે રહ્યા છે પરંતુ હવે તેમણે પાર્ટી છોડીને ભાજપનો છેડો પકડી લીધો છે.