ગાંધીનગર-

રાજ્યમાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. કોરોનાની મહામારી વચ્ચે તમામ ધારાસભ્યો અને મંત્રીઓનો કોરોનાનો ટેસ્ટ કર્યા પછી તેમને વિધાનસભા સંકૂલમાં એન્ટ્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત જે ધારાસભ્યોનો કોરોનાના ટેસ્ટ સકારાત્મક આવ્યો હતો તેમણે વિધાનસભા સંકૂલમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. ત્યારે વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. સરકાર તમામ મુદ્દા પર તૈયાર હોવાનું અને કોંગ્રેસની પાસે કોઈ પણ મુદ્દો ન હોવાની વાત CM રૂપાણીએ કહી હતી. આ ઉપરાંત ખેડૂતોને લઈ કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને પણ તેમણે આવકાર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. સરકાર તમામ મુદ્દાઓ પર સજ્જ છે. સરકારની કામગીરી કોરોનાથી માંડીને પ્રજાના સહકાર સુધીની શ્રેષ્ઠ કામગીરી રહી છે. એટલે કોઈ પણ ચિંતાનો વિષય નથી. કોંગ્રેસની પાસે કોઈ મુદ્દા નથી કે સરકારને તેનાથી કોઈ તકલીફ પડે તેમ નથી. ગુજરાતમાં સરકારે પ્રજાના સહયોગથી કોરોનાની મહામારી વચ્ચે ખૂબ સારું કામ કર્યું છે કોરોનાના સંક્રમણને રોકવાનો પ્રયાસ પણ ખૂબ સારી રીતે કર્યો છે. ગુજરાતમાં ઘણા નવા-નવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. 

કૃષિ બિલ બાબતે તેમણે જણાવ્યુ હતું કે, ખેડૂતો માટે આ ખૂબ જ સારું છે. ખેડૂતો પોતાનો માલ આખા દેશની અંદર તેમને ઠીક લાગે ત્યાં વેચી શકે છે. ઘણા વર્ષો પછી ખેડૂતોને આ અધિકારો પ્રાપ્ત થયા છે.