ન્યુ યોર્ક-

અમેરીકન અવકાશ સંશોધન સંસ્થા નાસા હવે પરમાણુ ઊર્જા પર કામ કરતા એક રોકેટની શોધ કરવાની દિશામાં કાર્યરત છે. જાે નાસાનો આ પ્રોજેક્ટ સફળ થાય તો એવા રોકેટની મદદથી પૃથ્વીથી ૨૩ કરોડ કિલોમિટર દૂર આવેલા મંગળ પર ત્રણ મહિનામાં પહોંચી શકાશે. હાલમાં પૃથ્વી પરથી મોકલાયેલા માનવરહિત યાનને મંગળ સુધી પહોંચવામાં સાત મહિના લાગી જાય છે. નાસાની યોજના છે કે, વર્ષ ૨૦૩૫ સુધીમાં માનવને મંગળ પર પહોંચાડી શકાય.

નાસાને સૌથી મોટી ચિંતા રોકેટની ઝડપની છે. જાે માણસ આટલું લાંબું અંતર કાપે તો તેને ઓક્સિજનની ખોટ પડી શકે. સાથે જ મંગળ પર તાપમાન આર્કટીક કરતાં પણ ઠંડું તાપમાન હોય છે. આવા સંજાેગોમાં ઓછા ઓક્સિજન સાથે જવામાં જાેખમ રહેલું છે. તેથી જ આ યાત્રાનો સમય કંઈપણ કરીને ઘટાડી શકાય તેના પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

પરમાણુશક્તિવાળા રોકેટની ડિઝાઈન તૈયાર

અમેરીકાના સિએટલ ખાતે આવેલી અલ્ટ્રા સેઈફ ન્યુક્લિયર ટેક્‌નોલોજીએ નાસાને એવું સૂચન કર્યું છે કે, આ માટે ન્યુક્લિયર થર્મલ પ્રોપલ્ઝન રોકેટ એન્જીન યાને એનટીપી બનાવવું જાેઈએ. કંપનીએ પરમાણુશક્તિ ધરાવતા રોકેટની ડિઝાઈન પણ તૈયાર કરી દીધી છે. નાસાનું લક્ષ્ય છે કે, સમગ્ર યાત્રાને ૫ થી ૯ માસમાં પૂરી કરી લેવાય. પરંતુ એનટીપી એન્જીનની સુરક્ષા બાબતે હજી કંઈ ચોક્કસ કહી શકાય એમ નથી.

જાે કે, આ કંપની તેને વધારે ને વધારે સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કંપનીના ડાયરેક્ટર માઈકલ ઈડ્‌સે જણાવ્યું હતું કે, રોકેટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેથી એન્જીન અને ચાલકદળના સભ્યોની વચ્ચે હાનિકારક તરલ પદાર્થોને એકઠા કરી લેવાય જેથી તેમાંના રેડિયો એક્ટીવ કણો તેમના સંપર્કમાં આવી જ ન શકે. તેનાથી તેઓ વિકિરણના સંપર્કમાં નહીં આવે અને તેઓ સુરક્ષિત રહેશે.

પરમાણુ રોકેટ એન્જીન બનાવવાની પ્રક્રિયા જટીલ

નાસાની અંતરીક્ષ ટેક્‌નોલોજીના મિશનના વડા જેફ શેયે કહ્યું હતું કે, પરમાણુ રોકેટ બનાવવાની ટેક્‌નીક ઘણી જટીલ છે. એન્જીન બનાવવા માટે જે મુખ્ય વપરાય છે એ ઈંધણ યુરેનિયમ છે. તેને પગલે એન્જીનનું તાપમાન ખૂબ જ ઊંચું રહેશે. જ્યારે આ એન્જીન પર કામ કરી રહેલી કંપનીનું કહેવું છે કે, એવું એન્જીન બનાવી શકાય છે, જે ૨૭૦૦ ડિગ્રી તાપમાન પર કામ કરી શકે.