નવી દિલ્હી-

પોતાના પ્રાઈવસી અપડેટ પ્લાન પર ભારે વિવાદ થયાના પગલે હવે વ્હોટ્‌સેપે પોતાના એ પ્લાનની આખર તારીખ ૮મી ફેબ્રુઆરીને ટાળી દઈને જાહેર કર્યું છે કે, એ તારીખ સુધીમાં યુઝર્સના અકાઉન્ટ બંધ નહીં કરવામાં આવે. કંપની ધીરે-ધીરે ૧૫મી મે સુધીમાં પ્રાઈવસી પોલીસી લાગુ કરશે અને આ દ્વારા તેને મળેલા વધુ સમય દરમિયાન એ યુઝર્સને પોતાની પોલીસી સારી રીતે સમજાવી પણ શકશે. વ્હોટ્‌સેપની પેરન્ટ કંપની ફેસબૂકે કહ્યું છે કે, એક નવા અપડેટ બાબતે લોકોમાં ઘણી અસમંજસ છે, જેને પગલે હાલ પૂરતું એ અપડેટ માંડી વાળવામાં આવ્યું છે.

બ્લોગ લખીને તારીખ લંબાવવાની જાહેરાત કરી


કંપનીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, અમે એ તારીખને લંબાવી દીધી છે, જેમાં યુઝર્સને તેની શરતો વાંચીને સ્વીકારવા કહેવાયું હતું. ૮મી ફેબ્રુઆરીએ કોઈનું અકાઉન્ટ બંધ કે સસ્પેન્ડ નહીં થાય. અમે અમારી પ્રાઈવસી અને સુરક્ષા અંગેની પોલીસીની ચોખવટ કરીશું જેથી લોકોમાં એ બાબતે જે ખોટી ભ્રમણા ફેલાઈ છે, એ દૂર કરી શકાય. ત્યારબાદ કંપની ધીમે-ધીમે લોકો પાસે તેની નવી પ્રાઈવસી પોલીસી પર લોકોનો મત જાણશે. તેથી એ સમયાવધીને ૧૫મી મે સુધી લંબાવી દેવાઈ છે.

એક અખબારી હેવાલ પ્રમાણે કંપનીની જાહેરાત બાદ લોકોએ અને અનેક મિડિયાએ તેને એવી રીતે ખપાવી હતી કે, નવી પોલીસી દ્વારા કંપની લોકોના ખાનગી ચેટ પણ વાંચી શકશે, અને તેમના પ્રાઈવેટ ડેટા પણ લઈ શકશે.

સિગ્નલ એપની ખપત વધતાં કંપની પર અસર થઈ


વ્હોટ્‌સેપ દ્વારા પ્રાઈવસી પોલીસી જાહેર કરાતાં લોકો મોટી સંખ્યામાં સિગ્નલ અને ટેલિગ્રામ જેવા બીજા મેસેજીંગ એપ્સ પર શિફ્ટ થવા માંડ્યા છે. ભારતમાં આ સપ્તાહે સિગ્નલ નંબર વન મેસેજીંગ એપ બની ગયું છે. લોકોની આ ચિંતા બાબતે વ્હોટ્‌સેપે કહ્યું હતું કે, નવા અપડેટ પછી લોકોની પાસે ઘણા ઓપ્શન્સ હશે. તમે ખાલી એક જ બિઝનેસને મેસેજ કરશો અને તમને એકદમ પારદર્શી રીતે કંપની સમજાવશે કે તમારા ડેટાનો કંપની કેવી રીતે ઉપયોગ કરે છે.

હાલમાં થોડા લોકો વ્હોટ્‌સેપથી ખરીદી કરે છે અને નજીકના સમયમાં મોટી સંખ્યામાં એવા લોકો વધી જશે ત્યારે એ સારી વાત છે કે, લોકો મોટી સંખ્યામાં આ બાબતે જાગરુક છે. આ અપડેટથી કોઈપણ રીતે વ્હોટ્‌સેપ તમારા ડેટાને ફેસબૂક સાથે શેર કરવા અનુમતિ મેળવી લેતું નથી એમ કંપનીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું.