04, માર્ચ 2021
પાવી જેતપુર
પાવી જેતપુર તાલુકા પંચાયતના ગઇકાલે પરીણામો આવી ગયા છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે હવે તાલુકા પંચાયતના પ્રમુખપદે કોણ બીરાજમાન થશે તે માટેની માથાપચ્ચી શરૂ થઇ ગઈ છે. અને હવે કોણ પ્રમુખ બનશે તે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહીતી અનુસાર પાવી જેતપુર તાલુકા પંચાયતની ચૂટણીના પરીણામો ગઇકાલે આવી ગયા છે. જેમાં ૨૨ બેઠકોમાથી ૧૭ બેઠકો પર કબ્જાે જમાવીને કોંગ્રેસનાં હાથમાથી સત્તા ખુચવી લીધી છે. હવે જ્યારે પરીણામો આવી ગયા છે ત્યારે હવે પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોણ બીરાજશે તેની માથાપચ્ચી શરૂ થઈ ગઈ છે. પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહીલા માટે અનામત બેઠક ફાળવવામાં આવી છે. જે ફક્ત આખા તાલુકામાં જેતપુર ૨ બેઠક જ છે. જેના ઉપર વિજય મેળવનાર મહીલા સીધા જ પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ બનશે તે નક્કી હતું, અને જેતપુર ૨ ની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના હીનાબેન મેહુલકુમાર બારીયા ૧૮૮ મતથી વિજેતા થયા છે. પરંતુ રાજકારણમાં સત્તાના સમીકરણો દરરોજ અને સગવડ પડે તેમ બદલાતા હોય છે. તેવી જ રીતે પાવી જેતપુર તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે પાવી જેતપુર તાલુકાની પાની બેઠક સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત જાહેર કરવામાં આવી હતી.