ગાંધીનગર-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુલતવી રહેલી ચૂંટણી ક્યારે કરવી તે વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીના પરિણામ નક્કી કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચ ડિસેમ્બર મહિના પછી ચૂંટણી ક્યારે યોજવી તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ તારીખની ઘોષણા કરાશે. રાજ્ય સરકારની ભલામણ પછી રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના સુધી મુલતવી રાખી છે. પેટાચૂંટણીના પરિણામો જો ભાજપ્ની ફેવરમાં આવશે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ નવા વર્ષ એટલે કે 2021ના પ્રારંભમાં કરવામાં આવે તેવી સંભાવના છે, પરંતુ જો પરિણામ વિપરિત આવશે તો આવતા વર્ષના મધ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે જે નોટિફિકેશન બહાર પાડ્યું હતું તેમાં ત્રણ મહિના પછી કોરોના સંક્રમણની સમીક્ષા પછી નિર્ણય લેવાનું જણાવાયું છે.

રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે પરંતુ સ્થાનિક ચૂંટણી કેમ નહીં તેવા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે દેશ અને ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ છે. આ સંજોગોમાં પેટાચૂંટણી માત્ર આઠ તાલુકાને અસર કરે છે પરંતુ સ્થાનિક ચૂંટણીઓ આખા ગુજરાતને અસર કરતી હોવાથી તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની અવધિ નવેમ્બર અને ડિસેમ્બરમાં પૂર્ણ થતી હતી પરંતુ હવે આ બન્ને મહિનામાં ચૂંટણીઓ શક્ય નથી તેથી 2021માં આ ચૂંટણીઓ થાય તેવી રૂપરેખા ચૂંટણી પંચ બનાવી રહ્યું છે. સંભવ છે કે જાન્યુઆરી મહિનામાં જ્યારે રાજ્ય ચૂંટણી પંચ સમીક્ષા બેઠક કરે ત્યારે રાજકીય પાર્ટીઓ, ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ અધિકારીઓના પ્રતિભાવ મેળવીને તારીખ જાહેર કરશે. રાજ્યમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી નિર્ધિરિત કરવામાં આવેલી છે.