લેખકઃ જયેશ શાહ |
લોકસભાની ચૂંટણી હવે અંતિમ પડાવ તરફ પગરવ માંડી રહી છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી કોઈ સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકે એ કક્ષાની સૌથી વધુ રસહીન અને કોઈપણ પ્રકારની ઉત્તેજના વગરની ચૂંટણી છે. આ ચૂંટણી દરમિયાન કોઈ જાેશ જાેવા મળ્યો નથી કે કોઈ ઉત્સાહ દેખાતો નથી. તેમ છતાં મતદારોએ ૨૦૧૯ની ચૂંટણીમાં જેટલું મતદાન થયું હતું લગભગ તેની લગોલગ મતદાન કરીને દુનિયા સમક્ષ સાબિત કરી આપ્યું છે કે ભારતનો મતદાર સૌથી પીઢ મતદાર છે અને એને ક્યારે, કોને, કઈ રીતે મત આપવો એની એક ખાસ સમજ છે જે વિશ્વમાં ક્યાંય દ્રષ્ટિગોચર થતું નથી.
૧ જૂન, ૨૦૨૪ના રોજ સાતમું અને અંતિમ ચરણનું મતદાન થશે. ૪ જૂન, ૨૦૨૪ના રોજ અઢારમી લોકસભાના પરિણામો જાહેર થશે. આ બધા વચ્ચે એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ કોંગ્રેસ માટે “કરો યા મરો” છે. જાે આ ચૂંટણીમાં મુખ્ય વિરોધપક્ષ બનવા માટે જરૂરી એવી ૫૪ બેઠકો પ્રાપ્ત નહીં કરે તો કોંગ્રેસનું ભાવિ ડામાડોળ બની શકે છે. વિરોધપક્ષોના દાવા અનુસાર અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના અંદાજ પ્રમાણે કોંગ્રેસ ઓછામાં ઓછી ૧૦૦ બેઠકો પ્રાપ્ત કરી શકે છે. ઘણા રાજકીય વિશ્લેષકો કોંગ્રેસ ૧૦૦ બેઠકો પ્રાપ્ત કરે તે સામે શંકા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજે આપણે વિસ્તૃત વિશ્લેષણથી સમજીએ કે કોંગ્રેસ ૧૦૦ બેઠકો પ્રાપ્ત કરી શકે છે કે નહીં.
૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૦૬ બેઠકો પ્રાપ્ત થઈ હતી જે એનું નિકટના ભૂતકાળમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ હતું. તે સમયે માત્ર સાત રાજ્યોએ કોંગ્રેસને ૬૩ % બેઠકો એટલે કે ૧૨૯ બેઠકો આપી હતી. આ પાંચ રાજ્યો હતા આંધ્ર પ્રદેશ (૩૩), ઉત્તર પ્રદેશ (૨૧), રાજસ્થાન (૨૦), મહારાષ્ટ્ર (૧૭), કેરળ (૧૩), મધ્ય પ્રદેશ (૧૨) અને ગુજરાત (૧૧).
૨૦૨૪ આવતા આવતા આ સાત રાજયોમાંથી માત્ર કેરળ સિવાયના છ રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ બહુ જ દયનીય છે. આંધ્રપ્રદેશ એક સમયે કોંગ્રેસનો ગઢ હતું તેમાં પણ વાયએસઆર રેડ્ડીના મૃત્યુ પછી કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઈ છે. આંધ્રમાંથી તેલંગાણા બન્યા બાદ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ વર્ચસ્વ જમાવીને કોંગ્રેસને મુખ્ય સ્થાનેથી હટાવી દીધી. નજીકના ભવિષ્યમાં ભાજપ મજબૂત થશે અને તેનું પરિણામ કોંગ્રેસે ભોગવવું પડશે. એક સમયે કોંગ્રેસના ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪માં આવેલી મોદીની આંધીથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. ૨૦૧૯માં તો કોંગ્રેસ અમેઠી પણ બચાવી શકી ન હતી. ૨૦૨૪માં જાે કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં માત્ર બેથી ત્રણ બેઠક પણ પ્રાપ્ત કરે તો કોંગ્રેસ માટે એક સિદ્ધિ સમાન હશે. મહારાષ્ટ્રમાં પણ શરદ પવાર-અજીત પવાર, ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદે અને ભાજપ સામે કોંગ્રેસનો પનો બહુ ટૂંકો પડશે. મધ્યપ્રદેશ હવે ભાજપનો ગઢ બની ગયું છે અને કોંગ્રેસ તેને હલાવી શકે તેમ નથી. તેવી જ રીતે ગુજરાતમાં કોંગ્રેસ એક બેઠક પ્રાપ્ત કરે તો તે ઐતિહાસિક ક્ષણ કોંગ્રેસ માટે હશે. કેરળમાં પણ આ વખતે કોંગ્રેસ એનું સામાન્ય પરફોર્મન્સ બતાવી શકે એવું દેખાતું નથી.
આટલા વિશ્લેષણ પરથી એટલું તો ચોક્કસ છે કે કોંગ્રેસ ૧૦૦ બેઠકોની નજીક પહોંચે એવી કોઈ શક્યતા ક્ષિતિજ પર દેખાઈ રહી નથી. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કોંગ્રેસ લગભગ લુપ્ત થઈ ચૂકી છે જ્યાં એક સમયે એનો દબદબો હતો. હિન્દી હાર્ટલેન્ડમાં કોંગ્રેસ મૃતઃપ્રાય અવસ્થામાં છે. વેન્ટિલેટર પર કેટલી ચૂંટણીઓ કોંગ્રેસ માટે નીકળશે એ તો આવનારો સમય જ કહેશે. આવા કારણોના કારણે જ કોંગ્રેસે ઘણા રાજ્યોમાં ખાઈબદેલા અને દેશના ફેડરલ સ્ટ્રક્ચરને નુકશાન કરી રહેલા પ્રાદેશિક પક્ષો માટે વાંસળી વગાડવાનું શરૂ કર્યું છે. ૨૦૨૪ની ચૂંટણીઓમાં કેરળમાં આઈયુએમએલ, તમિલનાડુમાં ડીએમકે, જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી, મહારાષ્ટ્રમાં એનસીપી અને ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષો, બિહારમાં આરજેડી, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી વગર કોંગ્રેસનું કશું ખાસ ઉપજે એમ નથી. એક સમયનો મુખ્ય પક્ષ આજે નાના નાના પક્ષોના સહારે ચૂંટણીની વૈતરણી પાર કરવા નીકળ્યો છે એનાથી મોટી મજબૂરી કોંગ્રેસ માટે શું હોઈ શકે.
હવે બીજી રીતે પણ વિશ્લેષણ કરીએ. ૨૦૧૯માં કોંગ્રેસે ૧૯.૭ % મતશેર સાથે ૫૨ બેઠકો જીતી હતી. એમાંથી ૩૧ બેઠકો ત્રણ જ રાજ્યો કેરળ (૧૫), તમિલનાડુ (૦૮) અને પંજાબ (૦૮)માંથી જીતી હતી. એઆઈડીએમકેએ ભાજપ સાથે છેડો ફાડી નાખવાના કારણે એનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો. શું ૨૦૨૪માં કોંગ્રેસ તમિલનાડુમાં ૦૮ બેઠકો પ્રાપ્ત કરી શકશે? રાજકીય વિશ્લેષકો એ વાત સાથે સંમત નથી. એની પાછળ મજબૂત કારણો છે. ૫૪૩ કુલ બેઠકોમાંથી માત્ર ૫૧ બેઠકો એવી મજબૂત છે કે જ્યાં કોંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં બે કે ત્રણ વખત જીતી છે. આમાંથી ૨૪ બેઠકો દક્ષિણ ભારતમાંથી, ૧૩ પૂર્વ ભારતમાંથી અને ૧૨ ઉત્તર ભારતમાંથી મેળવી છે. પ્રમાણમાં નબળી એવી ૧૮૩ બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં માત્ર એક વખત જ જીતી છે. આમાં ૮૦ બેઠકો ઉત્તર ભારતમાં અને ૨૯ બેઠકો પશ્ચિમ ભારતમાં છે. ૩૦૯ બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ (સાથી પક્ષો સહિત) છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં એકપણ વખત જીતી શકી નથી. આમાં ૧૦૮ બેઠકો પૂર્વ ભારતમાં અને ૯૯ બેઠકો ઉત્તર ભારતમાં છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફી એવું કોઈ મોજું નથી કે કોંગ્રેસ પ્રમાણમાં નબળી એવી ૧૮૩ બેઠકો અને બિલકુલ નબળી એવી ૩૦૯ બેઠકો પર કોઈ ચમત્કારિક પરિણામ લાવી શકે. ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત ગઢ ગણાતી ૫૧ બેઠકો જાળવી રાખે છે કે નહીં એ પણ જાેવું રસપ્રદ રહેશે.
હવે ત્રીજી રીતે પણ વિશ્લેષણ કરી જાેઈએ. ૫૪૩માંથી એવી ૧૯ બેઠકો છે જ્યાં કોંગ્રેસને ૫૦ %થી વધુ વોટ શેર અને ૭૬ બેઠકો એવી છે જ્યાં તેને ૪૦ %થી ૫૦ %ની વચ્ચે વોટ શેર મળ્યા છે. ૧૧૩મ સીટો પર તેને ૩૦ %થી ૪૦ % વોટ મળ્યા. જાે ફરીથી ઊભું થવું હોય તો આ ૨૦૮ બેઠકો પર જ કોંગ્રેસે ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. કારણ કે ૧૨૬ બેઠકો તો એવી છે કે જ્યાં કોંગ્રેસનો વોટ શેર ૧૦ %થી ઓછો હતો. ૫૪૩માંથી ૧૯૦ બેઠકો એવી હતી કે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ હતી એમાંથી ભાજપે ૧૭૫ અને કોંગ્રેસે માત્ર ૧૫ બેઠકો જીતી હતી. આ ૧૯૦ બેઠકો પર સરેરાશ ભાજપને ૫૬ % અને કોંગ્રેસને ૩૫ % વોટ શેર હતો. જાે ભાજપને ૨૦૧૯ની જેમ આ ૧૯૦ બેઠકો પર મોટી લીડ મળે છે તો કોંગ્રેસ માટે ૧૦૦ સીટો મેળવવી તો એક સ્વપ્ન સમાન બની જશે પરંતુ ૨૦૧૯માં ૫૨ બેઠકો જીતી હતી તેટલી જીતવી પણ મુશ્કેલ બની શકે છે.
હવે મતોમાં થનાર સ્વિંગનું વિશ્લેષણ કરીએ. ૨૦૧૯ની સરખામણીમાં જાે કોંગ્રેસ ૦૫ % વોટ શેર ગુમાવે તો કોંગ્રેસ માત્ર ૨૧ બેઠકો જીતી શકે છે. આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે સૌથી ખરાબ હશે. જાે કોંગ્રેસ ૦૩ % વોટ શેર વધારે મળે એટલે કે ૦૩ % મત કોંગ્રેસની તરફેણમાં સ્વિંગ થાય તો પણ કોંગ્રેસ માત્ર ૭૪ બેઠકો જીતી શકે છે. જાે કોંગ્રેસની તરફેણમાં ૦૫ % મત સ્વિંગ થાય તો પણ કોંગ્રેસ ૧૦૦ બેઠકો જીતી શકે એમ નથી. કોંગ્રેસની તરફેણમાં ૦૫ % મત સ્વિંગ થાય એવું કોઈ વેવ દેખાઈ રહ્યું નથી એટલે કોંગ્રેસ માટે ૨૦૨૪ની ચૂંટણીઓમાં ૨૦૧૯માં મળેલી ૫૨ બેઠકો જાળવવી બહુ મુશ્કેલ બનશે.
Loading ...