વડોદરા-

 આદિ માનવ પાસે જ્યારે કોઈ ભાષા કે લિપિ ન હતી ત્યારે એ ઈશારાની ભાષામાં સાથીઓ જોડે સંવાદ કરતો. જો કે એ બધિર દિવ્યાંગ ન હતો. શ્રવણ શક્તિને લીધે એની પાસે વાચા હતી પણ ભાષાનું કોઈ માળખું ન હતું.. આપણે માની લઈએ કે એના એ સમયના લવારામાંથી જે વિકસી એ વિશ્વની આદિ ભાષા હશે. જો કે આજે પણ સંકેતોની ભાષાની ખૂબ અગત્યતા છે કારણ કે આ ભાષા જેઓ બધિર દિવ્યાંગ એટલે કે મૂકબધિર છે તેમને શિક્ષણ આપવાનું માધ્યમ બની છે. સંકેત ભાષા ન હોત તો આ સમુદાયને શિક્ષણ આપવાની સમસ્યા જગતની મોટી સમસ્યા બની રહેત, અને આમ તો ભલે આપણી પાસે વાચા કે શ્રવણ શક્તિ હોય પરંતુ વિદેશની વાત છોડો પણ આપણા દેશના જ કેરળ કે તમિલનાડુ પહોંચી જઈએ તો આપણે પણ ઇશારા ની ભાષા જ વાપરવી પડે કારણકે આપણે તમિલ કે મલયાલી જાણતા ન હોય અને સામેવાળા ગુજરાતી હિન્દી કે અંગ્રેજી પણ જાણતા ન હોય. યુનો ના સમર્થન થી તા.૨૩ મી સપ્ટેમ્બર ને વિશ્વ સંકેત ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તેનો આશય બધિર દિવ્યાંગ શિક્ષણમાં આ સંકેત ભાષા ની અગત્યતા સમજાવવાનો છે.

આજે આપણે વાત કરવી છે વડોદરાના એક પરિવારની જે સંકેત ભાષા દ્વારા બધિર દિવ્યાંગ શિક્ષણ ને સમર્પિત છે અને એક સંસ્થાની જ્યાં સંકેત ભાષા દ્વારા અશિક્ષિત સંતાનોને શિક્ષિત કરવા ગુજરાતના ખૂણે ખૂણે થી માતાપિતા તેમના બધિર દિવ્યાંગ બાળકોને મોકલે છે. આ સંસ્થા છે આપણા વડોદરાની કમળાબેન મૂકબધિર વિદ્યાલય જે મૂકધ્વનિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને કદાચ ચારેક દાયકા થી બધિર દિવ્યાંગોના જીવનમાં સંકેત ભાષા દ્વારા શિક્ષણ નો ઉજાસ પાથરે છે અને શિક્ષણની સાથે તેમને વોકેસનલ તાલીમ પણ આપે છે.

ટ્રસ્ટ અધ્યક્ષ રીકેશ દેસાઈ કહે છે ગુજરાતમાં છેક વાપી થી ભુજ સુધીના બધિર દિવ્યાંગ બાળકો અમારી સંસ્થામાં શિક્ષણ લેવા આવે છે અને જેમને સ્પેશિયલ એજયુકેટર ની ઓળખ મળી છે એવા વીસ થી વધુ શિક્ષકો તેમને સંકેત ભાષામાં શિક્ષણ આપવાનું પુણ્ય કાર્ય કરી રહ્યાં છે.નોર્મલ શિક્ષણ કરતાં આ ઘણું વધુ અઘરું કામ છે. આ સંસ્થામાં જ લગભગ બે દાયકા કરતાં વધુ સમય થી રશ્મિ મહેતા સંકેત શિક્ષણ આપી રહ્યાં છે અને હાલમાં તેઓ સંસ્થાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા છે.તેમને આ ક્ષેત્રમાં નીવડેલા અને અનુભવી શિક્ષણવિદ કહી શકાય.

તેમના પિતા હર્ષદભાઈ રાજગોર ભાવનગરમાં આ વિશેષ શિક્ષણમાં લાંબા કર્મયોગ પછી નિવૃત્ત થયાં છે અને પરેશભાઈ રાજગોર હાલમાં ઉપરોક્ત સંસ્થા ના પ્રાથમિક વિભાગમાં વિશેષ શિક્ષક છે.આમ,તેમના પરિવારમાં ત્રણ સ્પેશિયલ એજયુકેટર છે જે અનુભૂતિ કરાવે છે કે આ પરિવાર બધિર દિવ્યાંગ શિક્ષણ ને સમર્પિત છે. રશ્મિબેને એક મસ્ત વાત કરી.તેમના પિતાજી સંકેત શિક્ષક હોવા થી તેમને અને તેમના ભાઈને આવા બાળકો સાથે બચપણ થી સંવાદ કરવાની આદત પડી જે તેમને આ વિશેષ કરિયર તરફ દોરી ગઈ.છે ને મસ્ત વાત. અહીં જાણી લો કે કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક સ્પેશિયલ એજ્યુકેટર નો વિશેષ કોર્સ કરી આ વ્યવસાય અપનાવી શકે છે.ભાવનગર અને અમદાવાદની સાથે વડોદરામાં તેના શિક્ષણ ની સુવિધા છે અથવા હતી.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા થી દેશમાં જે નવી શિક્ષણ નીતિ બની એમાં બધિર દિવ્યાંગજનો માટેની શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની વિચારણા કરવામાં આવી છે.બધિર દિવ્યાંગોમાં તેઓ કૈક જુદા છે તેવી ગ્રંથિના બંધાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં તેઓ સહેલાઇ થી જોડાય શકે તે માટે વિશેષ સંસ્થાને બદલે નોર્મલ શાળાઓમાં જ તેમને શિક્ષણ આપવાની વ્યવસ્થાની વિચારણા થઈ રહી છે. બાર ગાઉએ બોલી બદલાય ની માફક બાર ગાઉએ સંકેતો પણ બદલાય છે.રશ્મિબેન કહે છે કે દેશના દરેક જિલ્લામાં અને રાજ્યમાં સંકેત ભાષા થોડી ઘણી બદલાય જાય છે જે વિસંગતતાઓ સર્જે છે. ગૂગલ દાદા તો એવું જણાવે છે કે વિશ્વમાં ૩૦૦ જેટલી સંકેત ભાષાઓ ચલણમાં છે. તેને નિવારવા ભારત સરકારે એકસૂત્રતા ધરાવતી ભારતીય સંકેત ભાષા વિકસાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

બધિર દિવ્યાંગ આદિત્ય ભાલેરાવ આ સંસ્થાના વિદ્યાર્થી હતા અને સંકેત ભાષામાં બારમા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું.પછી તેમણે એમ. એસ.યુનિવર્સિટી ની ફાઇન આર્ટસ વિદ્યાશાખામાં ડિપ્લોમા અને ડિગ્રી મેળવી અને આજે તેઓ તેમની મૂળ સંસ્થામાં ડ્રોઈંગ ટીચર છે.છેને અદભૂત સિદ્ધિ..! રીકેશભાઈ કહે છે આ બાળકો વિશેષ પ્રતિભાશાળી હોય છે.  એમનો આઈક્યુ ઊંચો હોય છે.તેઓ બારમા સુધી વિશેષ શાળામાં ભણી તે પછી નોર્મલ કોલેજમાં બધાની સાથે શિક્ષણ મેળવી વિવિધ વિદ્યાશાખા ની ડીગ્રી કે ડિપ્લોમા મેળવે છે. સંકેત ભાષામાં શિક્ષણ એ કુદરતે કદાચ ક્યાંક ભૂલ કરી છે એવા બાળકોનું જીવન ઘડવાનું શિક્ષણ.આ શિક્ષણ કોરું શિક્ષણ નથી,બધિર દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉર્મિઓ ને સમજીને,તેમની મૂંઝવણો કળીને અને ઘણી બધી લાગણીઓ અને સંવેદના ઉમેરીને તેમને શિક્ષિત અને દીક્ષિત કરવાનો કર્મયોગ છે.