વિશ્વની સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થશેઃ વન-પર્યાવરણમંત્રી
21, ડિસેમ્બર 2024

સુરત, અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ  ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ હતી.આવનાર સમયમાં વિશ્વની સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થશે અને કોઈ પણ નવી શરૂઆત માટે રોલ મોડલ ગુજરાતથી થાય છે. રિન્યુએબલ એનર્જી થકી આવનાર સમયમાં નવી રોજગારી સર્જન થશે તેમ વન, પર્યાવરણમંત્રીએ જણાવ્યું હતું. કોન્ફરન્સમાં વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અદ્રશ્ય દુશ્મન ક્યારેય દેખાતા નથી પણ એ દુશ્મનથી વધુ ઘાતક હોય છે. ક્લાઈમેટ ચેન્જ એ મંથર ગતિએ ચાલતા અદ્રશ્ય દુશ્મન છે. ક્લાઈમેટ સામે લડવું એ આપણી અંગત નહી પણ સામુહિક જવાબદારી છે. જેમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જીનો સૌથી મોટો અમૂલ્ય ફાળો રહ્યો છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર એશિયામાં ક્લાઈમેન્ટ ચેન્જની મુહિમ સૌ પ્રથમ ગુજરાત રાજ્યથી પ્રાંરભ કર્યો હતો. વર્ષ ૨૦૦૯થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ ચેન્જ વિશે સમગ્ર વિશ્વને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવા અને આ સંકલ્પને સાકાર કરવા ૨૦૩૦ સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી ૫૦૦ ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના ૫૦ ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે એમ મંત્રીએ જણાવ્યું હતું. પર્યાવરણ મંત્રી એ કહ્યું કે, ૨૦૩૦ સુધીમાં એક મિલિયન કાર્બન એમિશન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે મિશન ગ્રીન હાઈડ્રોજન હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં વાર્ષિક પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય છે જેમાં ગુજરાત રાજ્ય મહત્તમ યોગદાન આપશે અન ગુજરાતે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ૩ મિલિયન મેટ્રિક ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે, એમ મંત્રીએ વધુમાં વિગત આપી હતી. વન મંત્રીએ કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં આપણે બીજા સ્થાને પહોંચ્યા છીએ. સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત રાજ્ય ૧૬ ટકા હિસ્સો ધરાવે છે. દક્ષિણ ગુજરાત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનું હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન સાથે કેન્દ્ર સરકારના ક્લિન એનર્જી મિશનને વેગ આપવા રિન્યુએબલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝ એ એક સૂર વ્યક્ત કર્યો છે તે સરાહનિય છે. સરકારે ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાને દેશમાં ફ્યુચરીસ્ટીક એનર્જીં ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે. ગુજરાત રાજ્ય દેશભરમાં રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે અગ્રીમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution