દેવગઢબારિયા, દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. તેવા સમયે કોરોના સંક્રમણની ચેન તોડવામાં વ્યસ્ત સ્થાનિક તંત્ર શહેરમાં કેટલીક જગ્યાએ સફાઈના મામલે કોઈને કોઈ કારણસર આંખ આડા કાન કરતું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે શહેરની પ્રાયોજના વહીવટદારની કચેરીની સામે આવેલ અધુરી બનાવેલી ગટરના ઉભરાતા દુર્ગંધ મારતા ગંદા પાણી પ્રાયોજના વહીવટદારની કચેરીના કમ્પાઉન્ડ સુધી પ્રસરી ગંદકી ફેલાવી રોગચાળાના ભયને વેગ આપી રહ્યા છે અને સ્થાનિક તંત્રની સફાઈના મામલે પોકારાતી મોટી મોટી ગુલબાંગોની પોલ ખોલી રહ્યા છે. ત્યારે છાશવારે ઉભરાતી આ ગટરના ગંદા પાણીનો યોગ્ય અને સુચારુ રીતે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દાહોદ શહેરમાં સફાઈ નો મુદ્દો વિસરાયો હોય તેવું લાગી રહ્યું છે. દાહોદ તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે પ્રાયોજના વહીવટદારની કચેરી આવેલ છે. આ કચેરીમાં રોજેરોજ જિલ્લામાંથી કેટકેટલાય લોકો કામ અર્થે આવે છે અને આ કચેરીની સામે એક તરફ ચા-નાસ્તાની લારીઓ આખો દિવસ ઉભી રહે છે. દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ રહે છે. તેમજ બીજી તરફ પ્રાયોજના વહીવટદાર કચેરીની બિલકુલ સામે સુલભ શૌચાલય આવેલ છે અને તે સુલભ શોચાલય ની આગળ ગટર બનાવવામાં આવેલ છે અને તે ગટર જળ ભવન તરફથી આવે છે અને સુલભ શૌચાલય નજીક પૂરી થઈ જાય છે અને આગળ ગંદુ પાણી જવાની કોઈ સગવડ ઊભી કરવામાં આવી નથી જેના કારણે આ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી રોડ પર ફેલાઈ પ્રાયોજના વહીવટદાર ની કચેરીના કમ્પાઉન્ડમાં રેલાઈ ગંદકી ફેલાવી રોગચાળાનો ભય ઊભો કરી રહ્યા છે.