ગાંધીનગર, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. પોલીસકર્મી ઉપર ગાડી ચડાવી દઈ હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરાયેલા વિદ્યાર્થી યુવરાજસિંહ જાડેજાના જામીન આખરે મંજૂર થયા છે. જાે કે, ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે યુવરાજસિંહની જામીન અરજી પર ગાંધીનગર સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થતાં શનિવારે કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને કોર્ટે જામીન આપી દીધા છે અને જામીન આપતા કોર્ટે યુવરાજને ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્ત્વનું છે કે યુવરાજ સિંહનો આ વિવાદ ખુબ જ બિચક્યો હતો અને પોલીસે યુવરાજસિંહ પર ૩૦૭ની કલમ લગાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે યુવરાજસિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ કેસમાં ૩૦૭ લગાવી શકાય નહીં. પોલીસે ખોટો કેસ કર્યો છે જેથી તેમને જામીન આપવા જાેઈએ. જાે કે, સરકારી વકીલે વિરોધ કરતા દલીલ કરી હતી કે, યુવરાજસિંહને જામીન ન મળવા જાેઈએ. ઉલ્લેખનીય છે કે, ૧૫ એપ્રિલે ગાંધીનગર સચિવાલયના ગેટ પર વિદ્યાસહાયકના ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન પોલીસે વિદ્યા સહાયકના ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારે યુવરાજસિંહ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેમના પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમજ પોલીસ ઉપર ગાડી ચઢાવી દઈ હત્યાનો પ્રયાસના ગુનામાં પણ પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી હતી. આ ઘટનાનો વિડીયો યુવરાજસિંહની લાગેલી કારના કેમેરામાં જ કેદ થયો હતો.