મહુધા : મહુધા નગરપાલિકાના તમામ ૬ બોર્ડનું ૧.૨૧ કરોડ ઉપરાંતનું લેણું બાકી પડતાં પાલિકાએ ૨૬ જેટલાં બાકીદારોના પાણીનાં કનેક્શન કાપવાનું શરૂ કર્યુ હતું. પરિણામે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મહુધા નગરપાલિકા વિસ્તાર કુલ ૬ વોર્ડમાં વિભાજિત થયેલો છે, જેમા અવારનવાર પાલિકા દ્વારા નગરજનોને સૂચના આપવા છતાં મોટાં ભાગનાં લોકો સમયસર વેરો ભરવામાં આળસ કરે છે. જ્યારે કેટલાંક તત્વો છેલ્લાં ૧૦ વર્ષથી પાલિકાને વેરો આપતાં જ નથી, જેનાં પગલે છેલ્લાં કેટલાંક દિવસથી પાલિકા દ્વારા નગરની તમામ શેરીઓમાં માઇક દ્વારા સૂચનો આપી વેરો ભરી જવા કહેવામાં આવી રહ્યું છે. તેમજ બીજી તરફ પાલિકાના કર્મીઓ દ્વારા વેરા વસૂલાત માટે કડક પગલાં રૂપે રહેણાંક મકાનોના બાકીદારોના પાણીનાં કનેક્શન પણ કાપવામાં આવી રહ્યાં છે. હાલ તમામ વોર્ડનો કુલ રૂ.૧,૨૧,૩૫,૬૯૬ કરોડ જેટલો વેરો નગરજનો પાસે વસૂલવાનો બાકી છે, જેનાં પગલે હાલ મહુધા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

ક્યા વોર્ડમાં કેટલો વેરો બાકી?

૧.વોર્ડ-૧માં રૂ.૧૭,૯૭,૪૪૪/-

૨.વોર્ડ-૨માં રૂ.૧૫,૫૧,૦૨૭/-

૩.વોર્ડ-૩માં રૂ.૧૯,૧૬,૪૪૯/-

૪.વોર્ડ-૪માં રૂ.૩૧,૧૯,૧૮૩/-

૫.વોર્ડ-૫માં રૂ.૧૨,૪૬,૭૯૩/-

૬.વોર્ડ-૬માં રૂ.૨૫,૦૪,૮૦૦/-