સુરતમાંથી 1 કરોડનો 1142.74 કિલોગ્રામ ગાંજો ઝડપાયો,પોલીસ સ્ટેશન ગાંજાની ગુણોથી ભરચક!
24, જુલાઈ 2021

સુરત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સાંકી ગામે આવેલ શ્રી રેસીડેન્સીના બીજા માળે ગઈકાલે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે રેડ પાડી રૂપિયા ૧.૧૪ કરોડની કિંમતના ૧૧૪૨.૭૪ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઓરીસ્સાવાસીને ઝડપી પાડ્યો હતો, જયારે ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ત્રણ ઓરીસ્સાવાસીઓને વોન્ટેડ બતાવ્યા છે.

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા જીલ્લામાં નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે નાકોટીક્સના કેસો શોધી કાઢવા માટે સુચના આપી હતી. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગૂપના પીઆઈ કે.જે.ધડુકના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો શુક્રવારે પેટ્રોલીંગમાં હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બાબુભાઈ અને જગદિશભાઈ કામરાજભાઈને મળેલી બાતમીના આધારે પલસાણાના સાંકીગામના લબ્ધી બંગલોઝ કમ્પાઉન્ડમાં શ્રી રેસીડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રેડ પાડી હતી. જેમાં ફલેટમાંથી રૂપિયા ૧,૧૪,૨૭,૪૦૦ની કિમતનો ૧૧૪૨.૪ કિલોગ્રામ ગાંજાના જથ્થો ભરેલ ૩૦ કોથળા સાથે બિકાસ બુલી ગૌડા (ઉ.વ.૧૯.રહે, ઉત્કલનગર ઝુપડપટ્ટી કતારગામ, મૂળ ચટુલા ગામ તલાસાહી, મહોલ્લો, કેનડુપદર, ગાંગપુર, ઓરીસ્સા)ને ઝડપી પાડ્યો હતો.

બિકાસ ગૌડાની પુછપરછમાં આ જથ્થો બાબુ નાહક (રહે, ઉત્કલનગર ઝુપડપટ્ટી કતારગામ, મૂળ સચીના કોદલા ગંજામ ઓરીસ્સા) અને વિક્રમ મગલુ પરીદા ઉર્ફે વિકુ (રહે, ઉત્કલનગર ઝુપડપટ્ટી કતારગામ, મૂળ સચીના ગંજામ ઓરીસ્સા)એ સીબારામ નાહક (રહે, સચીના કોદલા ગંજામ ઓરીસ્સા) પાસેથી વેચાણથી મંગાવ્યો હોવાની કબુલાત કરતા એસઓજીએ ત્રણેયને વોન્ટેડ બતાવ્યા છે. વધુમાં માંગ મંગાવનાર અને માલ આપનાર વોન્ટેડ આરોપીઓ ઝડપાયા બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થાય તેમ છે. એસઓજી એ બિકાસ ગૌડા પાસેથી ગાંજા, મોબાઈલ, રોકડા રૂપિયા અને મોપેટ મળી કુલ રૂપિયા ૧,૧૪,૬૩,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution