૧ કિલો કેરીનો રૂ.૧૫૫૧ ઐતિહાસિક ભાવે વેચાણ
30, નવેમ્બર 2023

પોરબંદર પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીની આવક થઈ છે. ભર શિયાળે આજે ફરી એકવખત કેસર કેરીની આવક થતાં હરાજીમાં ઓલ ટાઇમ હાઇ કહી શકાય એટલો એક કિલોના ૧૫૫૧ જેટલો ઊંચો ભાવ આવ્યો છે. આ પહેલાં સોમવારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ૨ બોક્સ એટલે કે ૨૦ કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. જેનો એક કિલોનો ૭૦૧ રૂપિયા ભાવ હરાજીમાં બોલાયો હતો. એ રેકોર્ડ આજે ૧૫૫૧ રૂપિયાના ઐતિહાસિક ઊંચા ભાવે તૂટ્યો છે.પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારનાં અનેક ગામોમાં કેસર કેરીના આંબાનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ સિઝનમાં શિયાળની શરૂઆત થતાં જ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીનું આગમન થતાં હરાજી કરવામાં આવી હતી.પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેસર કેરીના ૪ બોક્સ એટલે કે ૪૦ કિલો કેરીની આવક થવા પામી હતી. કેરીની હરાજી કરવામાં આવતા ૧ કિલો કેરીનો રૂ.૧૫૫૧ જેટલા ઐતિહાસિક ઊંચા ભાવે વેચાણ થયું હતું. કેરીના ૧૦-૧૦ કિલોના ૪ બોક્સ ૬૨,૦૪૦ હજારમાં વેચાયાં હતાં. હરાજીમાં કેરીનો આટલો ઊંચો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો તથા વેપારીઓ પણ ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. ઉલેખ્ખનીય છે કે આ વર્ષે કેરીની સિઝન કરતાં ૫ મહિના જેટલી વહેલી આવક થઈ રહી છે. જેથી હવે તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જાેવાની જરૂર નથી. કેમ કે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડીની વચ્ચે ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જાેવા મળી રહ્યું છે. પોરબંદરમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જાેવા મળી રહ્યા છે. કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું.પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલાં ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે, પરંતુ આ વખતે ભરશિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે. આટલા મહિના પહેલાં કેરીનાં મોટાં ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જાેવા મળી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution