મહેસાણા : મહેસાણા જિલ્લામાં ૧૮ દિવસથી કોરોના સંક્રમણમાં જાણે બ્રેક વાગી હોય તેમ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે જિલ્લામાં ૧૦ કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણા-૫, કડી-૨, વિસનગર, વડનગર અને બહુચરાજીમાં ૧-૧ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગે તમામને આઇસોલેટ કરી સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન અને સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટમાં મૂકવા તજવીજ કરી હતી. કોરોનાની સારવાર લઇ રહેલા ૫ દર્દી શનિવારે સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યા છે. ૨૮૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ૩૧ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.આરોગ્ય વિભાગે હવે એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યા છે.૭૦ ટકા કોરોના ટેસ્ટ તેનાથી જ થાય છે. બીજીબાજુ કોરોના પોઝિટિવ આવેલા દર્દીમાં લક્ષણો ઓછા જણાતાં મોટેભાગે હોમ આઇસોલેટ થતાં હોઇ આરોગ્ય વિભાગના કહેવા મુજબ કોવિડ હોસ્પિટલોમાં ૪૦ ટકા દર્દીઓ ઘટ્યા છે. તંત્રનું કહેવું એવું પણ છે કે, લોકલ ટ્રાન્સમિશન શોધવું હાલ મુશ્કેલ બન્યું છે. બહારથી આવેલી વ્યક્તિ સંક્રમણ ફેલાવે તે પહેલાં તેનું સેમ્પલ સહિતનાં પગલાં લઇ શકાય છે. સપ્ટેમ્બર બાદ કેસોમાં ઘટાડો થવાની શક્યતા છે. બહુચરાજીના વેપારીના પત્ની સંક્રમિત બન્યાંબહુચરાજીમાં વાસણની દુકાન ધરાવતા વેપારીના પત્નીને શરદી, ખાંસીની ફરિયાદ ઉઠતાં તેમનું કોરોના સેમ્પલ લેતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે પરિવારના તમામ સભ્યોના આરોગ્ય વિભાગે એન્ટીજન ટેસ્ટ લીધો હતો. ભાસરિયા અને મહેસાણાના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તે ક્યાંથી સંક્રમિત બન્યા તેની માહિતી વિભાગ મેળવી શક્યું ન હતું. ઉત્તર ગુજરાતમાં શનિવારે ૫૩ લોકો કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. બનાસકાંઠામાં ૨૧, પાટણમાં ૧૭, મહેસાણામાં ૧૦, સાબરકાંઠામાં ૩ અને અરવલ્લીમાં ૨ કેસનો સમાવેશ થાય છે. જ્યારે હિંમતનગરના મહાવીર નગરમાં રહેતાં બૈજાવા રાઠોડનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાટણ જિલ્લામાં ૧૭ કેસમાં પાટણ-સિદ્ધપુરમાં ૫-૫,ચાણસ્મામાં ૩, રાધનપુર ૨, હારિજ- સરસ્વતી તાલુકામાં ૧-૧ કેસનો સમાવેશ થાય છે.