વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસિસ બ્લેક ફંગસના દર્દીઓમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આજે સયાજી હોસ્પિટલમાં નવા ફંગસના ૬ અને ગોત્રી હોસ્પિટલમાં નવા ૪ દર્દીઓ નોંધાયા હતા. અલબત્ત, વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૧૦ દર્દીઓ નવા નોંધાયા હતા, જ્યારે હાલ સયાજી હોસ્પિટલમાં ૨૩૧ અને ગોત્રી હોસ્પિટલમાં ૯૭ મળી કુલ શહેરમાં ૩૨૮ દર્દીઓ સારવાર હેઠળ દાખલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યંુ હતું. આજે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં બે અને ગોત્રી હોસ્પિટલમાં એક દર્દી મળી કુલ ૩ દર્દીઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે એક દર્દીને આંખમાં બ્લેક ફંગસની ગંભીર અસર થતાં સર્જરી કરી આંખ કાઢી નાખવામાં ફરજ પડી હતી. જ્યારે ૧૨ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. એક અંદાજ મુજબ સરકારી બંને હોસ્પિટલમાં અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસ બ્લેક ફંગસના એક હજાર જેટલા દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. જેમાં ૬૦૦ જેટલા દર્દીઓના સફળ ઓપરેશન કરી દર્દીઓને નવજીવન તેમજ આ મહામારીના રોગમાં ઉગારી લેવામાં આવ્યા હોવાનું ઈએનટીના સર્જન ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું. હાલ પણ આવી રહેલા દર્દીઓની સારવાર તેમજ સર્જરી ચાલુ જ હોવાનું ડો. ગુપ્તાએ જણાવ્યું હતું. ખાસ કરીને બ્લેક ફંગસના દર્દીઓ મોટાભાગે આવે છે. જાે કે સર્જરી થયેલા દર્દીઓની સારવાર લાંબી હોવાથી રિકવરી આવતાં વાર લાગે છે. જાે કે, હાલ ઈન્જેકશનો પણ પૂરતા મળી રહે છે જેથી કોઈ તકલીફ જેવું ન હોવાનું પણ ઉમેર્યું હતું.