પખવાડિયામાં વ્યાજખોરીના ૧૦૨૬ ગુના દાખલ
17, જાન્યુઆરી 2023

ગાંધીનગર,તા.૧૭

ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, તેના કારણે રાજ્યના કેટલાય પરિવારો બરબાદ થયા છે. એટલું જ નહીં, કેટલીય વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા સંજાેગોમાં રાજયમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને મુક્ત કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક પખવાડિયાથી વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં રાજ્યના અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા. ૫ મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવથી પોલીસે મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોને સંદેશો આપ્યો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. ગુજરાત પોલીસ દ્વારા બે સપ્તાહથી રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં કુલ ૬૨૨ એફઆઇઆર નોંધીને ૧૦૨૬ વ્યક્તિઓ સામે ગુના દાખલ કરાયા છે. જેના અંતર્ગત ૬૩૫ વ્યાજખોર કરતાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજયમાં તા.૧૬મી જાન્યુઆરી સુધીમાં ૧૨૮૮ લોકદરબાર યોજયા છે. જેના થકી આવા વ્યાજખોરી કરતાં તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોએ પોતાની વ્યથા પોલીસને જણાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution