સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં સોમવારે હિંમતનગરમાં ૫ તથા ઈડર અને પ્રાંતિજ તાલુકામાં ત્રણ ત્રણ મળી કુલ ૧૧ વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે હિંમતનગરની ૭૦ વર્ષીય વૃદ્ધા અને બાયડના ડેમાઇના ૩૭ વર્ષીય યુવકનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાંતિજમાં ઓગસ્ટમાં ઓછા કેસ નોંધાયા બાદ સપ્ટેમ્બરમાં સંક્રમણ શરૂ થઈ ગયું છે અને સોમવારે કુલ કેસનો આંકડો ૧૦૦ સુધી પહોંચ્યો હતો. હિંમતનગરના મહેતાપુરામાં વાડી વિસ્તારમાં રહેતા ભૂરી દેવી લુહાર (૭૦) અને બાયડના ડેમાઈના સંજયકુમાર પંડ્યા (૩૭) નું સારવાર દરમિયાન મોત થતાં હિંમતનગર ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. સોમવારે વધુ ૭ દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી.આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર સાગર રેસીડેન્સીમાં ૬૦ વર્ષીય મહિલા, શ્રીનગર સોસાયટીમાં ૫૨ વર્ષીય પુરુષ, પોલોગ્રાઉન્ડમાં ૫૬ વર્ષીય પુરુષ, સત્યમ સોસાયટીમાં ૬૮ વર્ષીય પુરુષ, ચાંપલાનારમાં ૩૪ વર્ષીય પુરુષ, ઇડર કલરવ સોસાયટીમાં ૮૪ વર્ષીય પુરુષ , કાવા ગામમાં ૫૬ વર્ષીય પુરુષ, ફિચોડ ગામમાં ૨૦ વર્ષીય યુવક, પ્રાંતિજના ધડકણમાં ૭૫ વર્ષીય પુરુષ અને ભોઈવાસમાં ૬૧ વર્ષીય પુરુષ અને પ્રાંતિજ શહેરમાં ૫૬ વર્ષીય પુરુષનો કોવિડ - ૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં કુલ પોઝિટિવ - ૭૬૬ કેસ નોંધાયા છે. જ્યારે કુલ ૧૭ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૬૩૧ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.