વડોદરા : કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ રાજ્યો અને તંત્ર દ્વારા કોરોનાને રોકવા તમામ સાવચેતીના પગલા લેવાઇ રહ્યા છે. તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોનાના કેસોમાં આજે ૧૧૦ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૮૧૩૭ પર પહોંચી છે. આ સાથે કોરોનાની સારવાર લઇ રહેલા છ દર્દીઓના બિન સત્તાવારમોત નીપજ્યા હતા. જેમાં બે મોત સયાજી હોસ્પિટલમાં તથા અન્ય ચાર દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં થયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ડેથ ઓડિટ કમિટિએ આજે કોઇપણ મોત ડિક્લેર ન કરતાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૨૨૩ પર યથાવત રહ્યો હતો. આજે ૮૮ જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં ૧૩ દર્દીઓ સરકારી, પાંચ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી તથા ૭૦ દર્દીઓને હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આળી હતી. આ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવેલ દર્દીઓની કુલ સંખ્યા ૧૬,૭૧૪ પર પહોંચી હતી.  

સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ગાજરાવાડી, વી.આઇ.પી.રોડ, શિયાબાગ, નવાયાર્ડ, કીશનવાડી, નિઝામપુરા, તરસાલી, મકરપુરા, છાણી, આજવા રોડ, વડસર, ગોરવા, ગોકુલનગર, અકોટા, સુભાનપુરા, કારેલીબાગ વગેરે તથા ગ્રામ્યના કરજણ, પાદરા, રણોલી, વાઘોડિયા, કરોડીયા, ડભોઇ, સાવલી વગેરે ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૩૯૧૯ જેટલા શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતાં વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં ૩૮૦૮ નેગેટીવ અને ૧૧૦ પોઝિટિવ રીપોર્ટ આવ્યા હતાં. બીજી તરફ હાલના તબ્બકે વડોદરા શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૧૨૦૦ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે જેમાં ૬૨ દર્દીઓ વેન્ટીલેટર ઉપર, ૧૫૮ દર્દીઓ ઓક્સીજન પર સારવાર હેઠળ હોવાનું તથા ૯૮૦ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડોદરા રૂરલમાંથી ૪૧, દક્ષિણ ઝોનમાંથી ૧૮, ઉત્તર ઝોનમાંથી ૧૬, પશ્ચિમ ઝોનમાંથી ૧૮ તથા પૂર્વ ઝોનમાંથી ૧૭ કેસો નોંધાયા હતાં.

કોરોના ગાઈડલાઈનના અમલ માટે તંત્ર સજાગપણે કાર્યરત હોવા છતાં લોકોમાં જાગૃતિના અભાવના કારણે કોરોનાના કેસો ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનું જાણકારો કહે છે. જાે કે સરકાર તંત્ર રોગચાળાની ગંભીરતા વિશે ઢાકપીછોડો કરવામાં વ્યસ્ત છે અને સબ સલામત છે ના બણગાફૂંકી રહી છે.