વડોદરા : નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ટૂંક સમયમાં લાખો રૂપિયા કમાઈ લેવા માટે ૧૫ આંધળી ચાકણ વેચવા માટે નીકળેલા ત્રણ શખ્સોને ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ, એનિમલ વેલ્ફેર બોર્ડ, વડોદરા જીએસપીસીએ અને વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગના સંયુકત પ્રયાસોથી ઝડપી પાડયા હતા અને વન્યજીવોની તસ્કરી કરતી ટોળકીનો પર્દાફાશ થયો હતો. આ ત્રિપુટી ૧૦થી ૧૫ લાખમાં આંધળી ચાકણો વેચવા ફરતી હોવાની વિગતો પ્રાથમિક તબક્કે પ્રકાશમાં આવી છે. 

વન્યજીવોનું ગેરકાયદે વેચાણ થતું હોવાની માહિતીના આધારે ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ, એનિમલ વેલ્ફેર બોર્ડ, વડોદરા એસપીસીએ અને વીએચપી ગૌરક્ષા વિભાગની ટીમ છેલ્લા ચાર દિવસથી વોચમાં હતી. આ દરમિયાન ડેડિયાપાડા વિસ્તારમાં ૧૫ નંગ આંધળી ચાકણ ૧૦ થી ૧૫ લાખમાં વેચવા ફરતા હોઈ ત્રણને રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં વન્યજીવોનું ગેરકાયદે રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય લે-વેચનો પર્દાફાશ થયો હતો. ૧૫ આંધળી ચાકણ સાથે ઝડપાયેલા શખ્સોમાં અક્કલકુવા ગામમાં રહેતો ફૈયાઝ, ડેડિયાપાડાના મોસ્કુટ ગામમાં રહેતો નરેન્દ્ર વસાવા અને અતુલ વસાવાનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થાય તો આંતરરાજ્ય મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. બે તરફના મોઢાવાળા સાપ તરીકે ઓળખાતા આંધળી ચાકણ સાપમાં મેડિસિનલ ગુણ હોય છે. આ ઉપરાંત સાપ રાખવાથી ધનલાભ થાય છે તેવી અંધશ્રદ્ધાના કારણે તેનો વેપલો થાય છે. તાંત્રિકવિધિ માટે પણ આ સાપ લાખોમાં વેચવામાં આવે છે. આ સાપ રક્ષિત જીવ શિડયુલ-૪ હેઠળ આવે છે, લોકો રાતોરાત લાખો રૂપિયા કમાઈ લેવા ગેરકાયદે વેપલો કરે છે.

તાજેતરમાં પાંચ ઝડપાયા હતા

એક મહિના પૂર્વે તાંત્રિકવિધિ માટે વપરાતા આંધળી ચાકણને વેચવા નીકળેલા અને ખરીદવા આવેલા પાંચ શખ્સો વડોદરા-સુરત નેશનલ હાઈવે પરથી વન વિભાગે ઝડપી પાડયા હતા. તેમણે આંધળી ચાકણનો સોદો રૂા.૪૨ લાખમાં કર્યો હતો.

સરિસૃપોનું વજન વધારવા બેરિંગના છરા મોં વાટે શરીરમાં દાખલ કરે છે!

વન્યજીવ પ્રેમી સંસ્થાના અગ્રણીએ જણાવ્યું હતું કે, સરિસૃપોને આ ગુનેગારો વજન વધારવા માટે સાઈકલની બેરિંગના છરા તેમના મોં વાટે સરિસૃપોના શરીરમાં ઉતારે છે અને ક્રૂરતા આચરે છે જેનાથી તેમનું મૃત્યુ પણ થાય છે. આ ૧૫ સાપોનું મેડિકલ કરવા પણ તેમણે જણાવ્યું હતું.