12 વર્ષનો માનવરાજસિંહ બન્યો ‘યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત’
03, ફેબ્રુઆરી 2021

ભરૂચ-

ભરૂચમાં ધોરણ ૬માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ૩૯મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સૌથી અઘરી ગણાતી ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહ ચુડાસમાએ પિતાના માર્ગદર્શન હેઠળ ફક્ત ચાર દિવસની પ્રેક્ટિસ બાદ દસાડા ખાતે રમાયેલ ૩૯મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ સિંગલ અને ડબલની સ્પર્ધામાં બેસ્ટ પ્રદર્શન કરી "યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત" નો ખિતાબ હાંસલ કર્યો છે. માનવરાજસિંહ ચુડાસમા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનો પુત્ર છે.

ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહે જે સ્કોર કર્યો તેનાથી દેશમાં રમાનારી બે પ્રિ-નેશનલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં પણ ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્વોલિફાઇંગ સ્કોરને ક્રોસ કરી નાંખ્યો છે. પ્રિ-નેશનલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મુખ્યત્વે માવળંકર શૂટિંગ ચેમ્પિયનશિપ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના માનવરાજસિંહ ચુડાસમાએ ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટેની હવે તૈયારીઓ આરંભી દીધી છે.

માનવરાજસિંહની માત્ર ૧૨ વર્ષની વયે મેળવેલી આ સિદ્ધી કાબિલેદાદ છે. કહેવત છે ને કે, "મોરના ઈંડાને ચીતરવા ન પડે" તેમ માનવરાજસિંહને શૂટિંગનો શોખ વારસામાં મળ્યો છે તેમ કહી શકાય. તેના પિતા રાજેન્દ્રસિંહ અને માતા વંદનાબા બંને શૂટિંગના ખૂબ જ શોખીન છે. બંનેએ સ્ટેટ તથા નેશનલ લેવલની શૂટિંગની સ્પર્ધાઓમાં અનેક ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. જ્યારે હવે તેમનો પુત્ર માનવરાજસિંહ પણ તેમની રાહે આગળ વધી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution