વડોદરા : શહેર-જિલ્લામાં જીવલેણ કોરોનાની સારવાર માટે દાખલ થયેલા વડોદરા શહેરના કરોડિયા પોળના જ્વેલર્સ અને શિનોર ગ્રામ પંચાયતના માજી પ્રમુખના માતુશ્રી સહિત ૧૮ દર્દીઓનાં હોસ્પિટલના બિછાને મોત નીપજ્યાં હતાં, જ્યારે આજે વધુ ૧૨૯ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૦,૬૮૮ થઈ હતી. સેવા સદનની આરોગ્ય વિભાગની ટીમોએ આજે શહેરના ગદાપુરા, મુજમહુડા, બાજવાડા, હુજરાત પાગા, સમા-સાવલી રોડ, કલાલી, અટલાદરા, શિયાબાગ, તરસાલી, મકરપુરા, નવાબજાર, ઓ.પી.રોડ, ફતેગંજ, હરણી, વાસણા-ભાયલી રોડ સહિત ૨૪ વિસ્તારો અને જિલ્લાના સોખડા, વડુ, સમિયાલા, શંકરપુરા, કરોડિયા, ફર્ટિલાઈઝર, કોયલી, સેવાસી, બાજવા, ડભોઈ અને સાવલીમાંથી ૪૨૫૫ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓનાં સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. જેમાં ૪૧૨૬ કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૨૯ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. 

હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી શહેરના કરોડિયા પોળમાં જ્વેલર્સ શો-રૂમ ધરાવતા ૬૦ વર્ષીય સોની અને શિનોર ગ્રામ પંચાયતના માજી પ્રમુખના ૭૨ વર્ષીય માતુશ્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. આ સહિત ૧૮ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. તો બીજી તરફ ડેથ ઓડિટ કમિટીએ વધુ બે દર્દીઓ કોરોનામાં મૃત્યુ જાહેર કરતાં કોરોનામાં સત્તાવાર મૃત્યુઆંક ૧૭૮ થયો હતો. હાલ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૫૦૦ દર્દીઓમાં ૧૨૭૦ દર્દીઓની હાલત સુધારા પર, ૧૬૭ ઓક્સિજન પર અને ૬૩ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન કોરોનામુક્ત થયેલા ૧૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા વધીને ૯૦૦૦ને પાર કરી ૯૦૧૦ ઉપર પહોંચી હતી. આજે ડિસ્ચાર્જ કરવામાં આવેલા ૧૦૯ દર્દીઓમાં ૧૮ દર્દીઓ સરકારી હોસ્પિટલ, ૫૧ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી અને ૪૦ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી મુક્ત થયા હતા. જ્યારે આજે આવેલ ૧૨૯ પોઝિટિવ કેસોમાં સૌથી વધુ વડોદરા ગ્રામ્યમાંથી ૪૦ અને શહેરના ચાર ઝોનમાં પશ્ચિમ ઝોનમાંથી ૨૭, દક્ષિણ ઝોનમાંથી ૨૨, ઉત્તર ઝોનમાંથી ૨૦ અને પૂર્વ ઝોનમાંથી ૧૮ પોઝિટિવ કેસો આવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયતની ડીડીઓ કચેરીના સ્ટાફના કર્મચારીનો સમાવેશ થાય છે.