ભાવનગર, તા.૧૩

સમગ્ર દેશમાં ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો હોવાના બિનસત્તાવાર હેવાલો અને છેલ્લા ૫૬ દિવસમાં ગુજરાતના જુદાજુદા દરિયાકાંઠેથી ૫૭૦૦ કિલો મળી આવેલા ડ્રગ્સને કારણે દરિયાઇ અને દરિયાકાંઠાની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ભાવનગર જિલ્લાને ૧૫૨ કિ.મી. લાંબો દરિયાકાંઠો મળેલો છે અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ તથા ભાવનગર બંદરે પ્રતિ માસ સરેરાશ ૨૫ જહાજ અને ૩૦૦ વિદેશી ક્રૂ મેમ્બરો આવતા હોવા છતા દરિયાકાંઠાનું પેટ્રોલિંગ અને દરિયાનું પેટ્રોલિંગ કસ્ટમ્સ દ્વારા થતુ નથી અને મરિન પોલીસ દ્વારા માત્ર ૨૦ કિ.મી. સૃુધી કરવામાં આવે છે.

નશીલા પદાર્થો વિદેશથી જળમાર્ગે ગેરકાયદે ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાકાંઠે લાવવામાં આવી રહ્યો છે, પોરબંદર, મુંદ્રા, ખંભાળીયા સહિતના સ્થળોએથી છેલ્લા ૫૬ દિવસમાં ૫૭૦૦ કિલો ડ્રગ્સ પકડાઇ ચૂક્યુ છે. જે બાબત શંકા પ્રેરે છે કે ગુજરાતના દરિયાકાંઠે મોટા પાયે ડ્રગ્સનું હેન્ડલિંગ કરવામાં આવી રહ્યું હશે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રતિ માસ સરેરાશ ૨૦થી ૨૨ વિદેશી જહાજાે ભાંગવા માટે આવી રહ્યા છે, અને આવા જહાજાે પૈકી ડેડ વેસલ (બંધ જહાજ)ને મહુવાથી અલંગની વચ્ચે લૂંટવાના સંખ્યાબંધ બનાવો પ્રકાશમાં આવેલા છે અને તેના સંબંધિત ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ દળ દ્વારા અનેકની માલસામાન સહિત ધરપકડ પણ કરવામાં આવેલી છે. તેનો સીધો મતલબ થાય છે કે, દરિયામાં વિદેશી જહાજાે પર નજર રાખનારું કોઇ નથી. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના અનેક ગામોના લોકો ગેરકાનૂનિ પ્રવૃત્તિઓ માટે પંકાયેલા છે. અલંગમાં આવતા જહાજાે પર ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓ બીજા દિવસે જાય છે, ત્યાં સુધી આવા જહાજાેમાં કોણ છે, તેમાં શું સામેલ છે? તેની કોઇ માહિતી કે ચેકિંગ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતુ નથી. કસ્ટમ્સ દ્વારા પણ આવા જહાજાેનું રૂમેજીંગ કરવામાં આવે છે તેમાં પણ અનેક છીંડા રહેલા છે અને આર્થિક બાબતોને પ્રાધાન્ય આપી ફરજ પરના કસ્ટમ્સ કર્મીઓ આંખ આડા કાન કરી દેશની સુરક્ષા સાથે મોટી રમત કરી રહ્યા છે. આવા કસ્ટમ્સના કર્મીઓ વિદેશી જહાજમાંથી કિંમતી માલ સામાન ઉતારવામાં જ વ્યસ્ત હોવા અંગેની ફરિયાદો શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા અવાર નવાર કરવામાં આવેલી પણ છે. અગાઉ ભાવનગર-મહુવા રોડ પરના મોટી જાગધાર ગામેથી ૨ કરોડ રૂપિયાના નશીલા પદાર્થો ઝડપાયા હતા, તેથી ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા પર પર્યાપ્ત સુરક્ષાઓ જાળવવી આવશ્યક બની છે, છતા દરિયાકાંઠાના ગામો નધણિયાત જેવા છે.