અમદાવાદ-

હવામાન વિભાગ દ્વારા ૧૮ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદની સંભાવના વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. જામનગરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જામનગરના જામજાેધપુરમા મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જામજાેધપુરમાં રાત્રે ૪ કલાકમાં ૩.૫ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જામજાેધપુરમા ચાલુ સિઝનમાં સીઝનનો કુલ ૧૨૪.૭૭ % વરસાદ વરસ્યો છે. તો કાલાવડમાં ચાલુ સીઝનનો ૧૪૩.૫૫ % વરસાદ વરસ્ય છે. જામનગર શહેરમા રાત્રે છુટક વરસાદી ઝાપટા પડ્યા હતા. 

તો આજે ગુજરાતમાં વરસાદનું જાેર ઘટ્યું હોવાનું હવામાન ખાતાના આંકડા બતાવે છે. સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદનું જાેર ઘટયું છે. સવારથી અત્યાર સુધી માત્ર ૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ, સવારથી રાજ્યમાં નહિવત વરસાદ છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જામજાેધપુરમાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના સિધ્ધપુર, રાજ્યના પાટનગર ગાંધીનગર અને ખેડાના કપડવંજમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોણા ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ખેડાના કઠલાલ, પાટણના સરસ્વતી, બનાસકાંઠાના દાતીવાડા અને દાહોદના ફતેપુરામાં સવા ઇંચ થી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. આમ, ૨૪ કલાકમાં રાજ્યના ૧૭ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં હાલ ૧૮ રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં ૨ સ્ટેટ હાઇવે પણ બંધ છે. તેમાં જામનગર અને પોરબંદરના સ્ટેટ હાઈવે બંધ છે. આ ઉપરાંત ૧ આંતરિક રસ્તો પણ બંધ છે.તો પંચાયતના ૧૫ રસ્તાઓ બંધ થયા છે. જેમાં રાજકોટના ૩, જામનગરમાં ૧, જૂનાગઢમાં ૩ અને પોરબંદરના ૮ રસ્તાઓ બંધ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમ દિશાનો પવન છે. વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-જુનાગઢ, બુધવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૧૭મીએ તાપી-નવસારી-દમણ-અમરેલી-ભાવનગર, ૧૮મીએ ગીર સોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ૪૦ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. આગામી ૭૨ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્્યતા છે. જેને લઇને ૧૫ એનડીઆરએફની ટીમ તૈયાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી ૬ ટીમો સુરતમાં અને વલસાડ, નવસારીમાં ૫ ટીમો તૈનાત કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગરમાં ૧-૧ ટીમ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે.