રાજકોટ,  પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે કોરોના વોરિયર્સના સન્માનમાં સૌથી લાંબો ૧૫૫૧ ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ગાંધીનગરના રાધે રાધે પરિવારના કાર્યકરો દ્વારા ૨૬મી જાન્યુઆરી નિમિત્તે ખોડલધામ મંદિર પરિસરમાં ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ૩૦૦ કાર્યકરો મુખ્ય પ્રવેશદ્વારથી રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિની ધૂન સાથે મંદિર સુધી પહોંચ્યા હતા. મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ રાષ્ટ્રધ્વજ પરત મુખ્ય પ્રવેશદ્વાર સુધી લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ પણ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રાધે રાધે પરિવારના સભ્યો સાથે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ જાેડાયું હતું અને સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન આપ્યું હતું. ખોડલધામ મંદિર ખાતે ફરકાવવામાં આવેલો આ રાષ્ટ્રધ્વજ ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ છે. ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર બન્યું છે. જ્યાં સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોય. વિશ્વના મંદિરોના ઇતિહાસમાં ક્યારેય પણ આટલી લંબાઈ અને પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. ૨૦૧૭માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળે ર્નિણય લઈને ખોડલધામ મંદિરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે અને ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જ્યાં ધર્મ ધજાની સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે. ખોડલધામ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર દરરોજ માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો છે.