વડોદરા

ઉત્તરાયણ પર્વે પશુપાલન અને વન વિભાગના સંયુક્ત આયોજન અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓના સહયોગથી ૧૦ દિવસનું કરુણા અભિયાન ૨૦૨૧ હાથ ધરવામાં આવ્યું હતું જેનું તા.૨૦ના રોજ સમાપન થયું હતું. આ ૧૦ દિવસ દરમિયાન ૫૯૯ પશુઓ અને ૮૬૯ મૂકપક્ષીઓ મળીને પતંગના દોરાથી ઇજાગ્રસ્ત અને ઘૂઘરી સેવનથી બીમાર પડેલા સહિત કુલ ૧૪૬૮ પશુ-પક્ષીઓને તબીબી ટીમો દ્વારા સારવાર આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે આ વર્ષે લોકજાગૃતિ અને સહયોગના પગલે ગયા વર્ષની સરખામણીમાં પક્ષીઓનો મરણ દર સાવ નજીવો એટલે કે લગભગ ૪.૨૫ ટકા જેટલો રહ્યો છે. ઇજાના કેસો ગયા વર્ષે ૨૫૦૦થી વધુ હતા, જેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પશુપાલન અને વન વિભાગની ૧૭ જેટલી કચેરીઓની સાથે પ્રાણીકલ્યાણ સંસ્થાઓ આ જીવનરક્ષક અભિયાનમાં જાેડાઈ હતી. અભિયાનના ભાગરૂપે વન વિભાગ દ્વારા સયાજીબાગ નર્સરીમાં સારવાર હેઠળના ઘાયલ પક્ષીઓને રાખવા માટે આશ્રય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જ્યાં ૪૮૦ જેટલા ઇજાગ્રસ્ત કબૂતરો સાજા થઈ રહ્યાં છે જ્યારે સંપૂર્ણ સાજા થઈ ગયેલા ૩૮૧ જેટલાં કબૂતરોને ગગનવિહાર માટે મુક્ત કરવામાં આવ્યા છે.