રાજકોટ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. રાજકોટ સિવિલમાં ૧૩ અને ખાનગી હોસ્પિટલમાં ૪નાં મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૦૪૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટ શહેરમાં ૬૫૫ લોકો સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોનાના નવા કેસ આવવાની ગતિ એકસરખી જ છે પણ ડિસ્ચાર્જની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે.

સોમવારે માત્ર ૩૮ લોકોને જ ડિસ્ચાર્જ કરાયા હતા. હાલ ૬૫૫ લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે ૮૧૪ હોમ આઈસોલેશનમાં છે. રાજકોટ જિલ્લાની સાથે સાથે સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. રાજકોટમાં ગોંડલ અને ધોરાજીમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.