વડોદરા, તા.૨૭

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ અટવાઈ ગયેલા વડોદરાના વિદ્યાર્થીઓ પૈકી ભારત સરકારે રોમાનિયા થી પરત આવવા કરેલ વિશેષ પ્લેનની વ્યવસ્થા બાદ વડોદરાના ૨૧ વિદ્યાર્થીઓ આજે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને લેવા માટે તેમના વાલીઓની આવ્યા હતા. તેમજ આ વિદ્યાર્થીઓનું વડોદરાના સાંસદ, મેયર, કલેક્ટર, પોલીસ કમિશનર અને ધારાસભ્યો સહિતના નેતાઓએ ફૂલથી સ્વાગત કર્યું હતું.

યુક્રેન અભ્યાસ કરવા ગયેલા અને રશિયાના આક્રમણ પછી અટવાયેલા વડોદરા સહિત ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ બેચ રોમાનિયાથી વિમાન માર્ગે મુંબઇ ઉતરી હતી. ત્યાથી પરત આવવા માટે ગુજરાત સરકારે મોકલેલ વોલ્વો બસમાં વડોદરાના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચી હતી. જ્યાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ તેમના સ્વજનો રિસિવ કરવા આવી પહોંચ્યા હતાં. વિદ્યાર્થીઓ આવતા જ તેમના માતા-પિતા અને પરિવારજનોને ભેટીને રડી પડ્યા હતા તેમજ આશિર્વાદ લીધા હતાં. વડોદરા આવેલા વિદ્યાર્થીઓનુ વડોદરાના સાંસદ રંજનબે ભટ્ટ, કલેક્ટર એ.બી. ગોર, પોલીસ કમિશ્નર શમશેર સિંગ, મેયર કેયુર રોકડિયાએ પુષ્પવર્ષા અને તિલક કરી આવકાર્યા હતા. ઉલ્લેખનિય છે કે, યુક્રેનમાં અટવાયેલા વિધ્યાર્થીઓના વાલીઓએ સાંસદ રંજનબેન ભટ્ટનો સંપર્ક સાધતા તેમણે વિદેશ મંત્રાલયને વડોદરાના વિધ્યાર્થીઓની માહિતી મોકલી હતી.મુંબઈ વિશેષ વિમાનમાં આવી પહોંચેલા વિધ્યાર્થીઓ પૈકી ગુજરાતના ૩૮ વિધ્યાર્થીઓ હતો. જે પૈકી ૨૧ વડોદરા ઉતર્યા હતા. આ ૨૧ પૈકી વડોદરાના ૧૮ વિધ્યાર્થીઓ હોંવાનુ વહિવટી તંત્રએ જણાવ્યુ હતુ. વડોદરા સરકીટ હોઉસ ખાતે આવેલા વિધ્યાર્થીઓને ફ્રેશ થવા તેમજ નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.યુક્રેનથી પરત આવેલી વિદ્યાર્થિની અનુષ્કા અમીને કહ્યું કે, મારે અભ્યાસનું છેલ્લું છઠ્ઠું વર્ષ હતું. અમે હોસ્ટેલથી રોમાનિયા સુધી અમને બસમાં લઇ જવાયા હતાં. મારા હજું ત્રણ જ મિત્રો આવ્યા છે, ૧૫થી ૨૦ જેટલા મિત્રો હજું ત્યાં જ છે. તેમના કેટલાક હજું ત્યા છે અને કેટલાક ભારત આવવા નિકળ્યા છે.

યુક્રેનના કિવ અને ખારકીવમાં સ્થિતિ વધુ ગંભીર

યુક્રેનથી પરત આવેલી એક વિધ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગઇ હતી. અમારી યુનિવર્સિટી ચર્નિવિત્સી સિટીમાં છે. ત્યાં સ્થિતી એટલી ગંભીર નથી પરંતુ રશિયન સેના પહોંચી છે તે કિવ અને ખાર્કિવમાં વધુ ગંભીર સ્થિતિ છે. અમને સરકારે પરત ફરવા માટે સારી સુવિધા અપાવી છે.જેથી અમે સરળતા થી ભારત પરત ફરી શક્યા તેમ કહ્યુ હતુ.

અનેક વિદ્યાર્થીઓને ૧૦થી ૨૦ કિ.મી. ચાલી બોર્ડર સુધી આવવું પડ્યું

વડોદરાની મુબ્બાશિરા દેસાઇએ કહ્યું હતું કે, તે એમબીબીએસના ફાઇલ યરમાં અભ્યાસ કરુ છે અને ડિગ્રી મળવાને ત્રણ જ મહિના બાકી હતા. અને કે જે સિટીમાં રહે છે તે રોમાનિયન બોર્ડરથી તે ૫૦ કિલોમીટર દૂર છે. અને બસમાં રોમાનિયા પહોંચ્યા હતા. જાે કે, અમારા પછી આવેલા ઘણા વિદ્યાર્થીઓને ૧૦થી ૨૦ કિલોમીટર સુધી ચાલીને બોર્ડર સુધી આવવું પડ્યું છે.

અનેક વિદ્યાર્થીઓ બોર્ડર પર અટવાઇ ગયા છે

વડોદરા પહોંચેલી વિધ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, હું દોઢ વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરુ છું. અમને એરપોર્ટ સુધી પહોંચવામાં મુશ્કેલી નથી પડી. પરંતુ અમારા ઘણા મિત્રો એવા છે જેઓ બોર્ડર પર અટવાઇ પડ્યા છે.બોર્ડર પર પણ વાહનોની લાંબી લાઈનો લાગી છે. અને ટ્રાફિક વધી ગયો છે તેથી ઘણાને અનેક કિલોમીટર ચાલતા આવવુ પડી રહ્યુ છે.

દિલ્હી એરપોર્ટ ઉપર ૩૨ ગુજરાતી વિદ્યાર્થીઓ ઉતર્યા બાદ બસમાં દિલ્હીથી અમદાવાદ આવવા રવાના

ભારત સરકાર અને વડાપ્રધાનના પ્રયત્નોથી યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવાનું શરૂ કરી દેવાયું છે. બે વિશેષ ફ્લાઇટ મારફતે રવિવારે ગુજરાતી વિધાર્થીઓ મુંબઈ અને અમદાવાદ આવી પહોચ્યા હતા. દિલ્હી આવેલી ફ્લાઈટમાં ૩૨ ગુજરાતી વિધાર્થીઓ પણ હતા. જેઓએ એરપોર્ટ ઉપર ઉતરતા જ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવવા સાથે ભારત માતા કી જયના નારા લગાવી એરપોર્ટને પણ ગુંજવી દીધું હતું. યુક્રેનથી ગુજરાત વાપસી થયેલા વિધાર્થીઓમાં ભરૂચની ૪ વિદ્યાર્થીનીઓ પણ આવી પહોંચી હતી. જેમાં ભરૂચની સંજના ચૌહાણ, જંબુસરની રીયા ચંદ્રકાન્ત પટેલ, હની કમલેશ પારેખ અને ધ્વનિ જીગ્નેશ પંચાલ સામેલ હતા. ભરૂચની આ ચારેય મેડીકલની છાત્રો યુક્રેનમાં સાથે જ રહી અભ્યાસ કરતી હતી અને તેમની વતન વાપસી પણ એક સાથે થતા તેઓના ચહેરા ઉપર આનંદ સ્પષ્ટ જણાઈ આવ્યો હતો. તો આ છાત્રોના પરિવારજનો પણ દીકરીઓ સુરક્ષિત ઘરે આવી રહી હોય આનંદિત થઈ ઉઠ્‌યા હતા. દિલ્હીથી ભારત સરકારે ગુજરાતી વિધાર્થીઓ માટે વિશેષ બસની સુવિધા કરવામાં આવી હતી. બસમાંથી જ જંબુસરની રીયા પટેલે વિડીયો શેર કર્યો હતો. જેમાં તેને ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભગવાનને પ્રાર્થના પણ કરી હતી કે યુક્રેનમાં ફસાયેલા અન્ય ભારતીય વિધાર્થીઓ અને નાગરિકોને કોઈ નુકશાન પોહચે નહિ અને જેમ આપણી સરકારે અમને યુક્રેનમાંથી ઉગારી લીધા તેમ અન્ય ને પણ સુરક્ષિત વતન પાછા લાવે. તેઓના મુખ ઉપર યુદ્ધભૂમિમાંથી હેમખેમ માતૃભૂમિ પરત આવી જવાની ખુશી જાેવા મળી રહી હતી.