જૂનાગઢ-

18 સપ્ટેમ્બર 1965ના દિવસે ગીર જંગલ વિસ્તારને અભ્યારણ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર થી લઈને આજ સુધી ગીરમાં અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે. વર્ષ 1965 માં 3,12,459.11 એકર જમીન વિસ્તારમાં ગીરનું જંગલ જોવા મળતું હતું ત્યારબાદ અભ્યારણ જાહેર થતા વર્ષ 1971માં ગણતરીના અંતે અભ્યારણમાં 129 જેટલા નેશોમાં 845 કુટુંબો વસવાટ કરતા હતા જેને ગીર અભ્યારણની બહાર વસાવવામાં આવ્યા હતા. હાલ ગીર અભયારણ્યની અંદર 54 જેટલા નેશ હજુ પણ અસ્તિત્વ ધરાવી રહ્યા છે સાથે સાથે 14 જેટલા ગામો સેટલમેન્ટ ગામો તરીકે અભ્યારણમાં જોવા મળે છે.

વર્ષ 1965માં ગીર જંગલમાં 165 જેટલા સિંહો જોવા મળતા હતા, જે આજે અભ્યારણ બનવાને કારણે 600ની સંખ્યાને પાર કરી ચૂક્યા છે અને અભયારણ્ય જાહેર થયા બાદ ગીરમાં પ્રવાસન પ્રવૃતિઓ પણ ખૂબ જ વેગવંતી બની જેને કારણે ગીરની સાથે સિંહો ને પણ નજીકથી જોવાનો અને જાણવાનો મોકો વિશ્વના પ્રવાસીઓને મળી રહ્યો છે જેના થકી રાજ્ય સરકારને દર વર્ષે અંદાજીત 11 કરોડ કરતાં વધુની આવક થઇ રહી છે. વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે. 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી. જૂનાગઢના નવાબના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું હતું. ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુર આવે તે માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ કરીને પણ સંભવિત શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે.

વર્ષ 1990થી ગણતરી કરીએ તો તે વર્ષે 300 ચોરસ કિલોમીટરના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા જેમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં વધારાની સાથે જંગલ વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. વર્ષ 1990માં 300 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા જ્યાંરે વર્ષ 2020માં 30,000 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 674 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે. ધારી નજીકના મોરજર અને ગોપાલ ગામમાં દીપડાના હુમલાને લઈને લોકોમાં અને ખેડૂતોમાં રોષ જોવા મળે છે પરંતુ વાત જ્યારે સિંહની આવે ત્યારે આ બંને ગામના લોકો પણ સિંહને આદર આપવાનું આજે પણ ચૂકતા નથી" સાસણ સિંહ દર્શન ખાતે અંદાજિત એક વર્ષમાં અંદાજીત 5 થી લઇને 6 લાખ પ્રવાસીઓ સિંહોને જોવા માટે આવતા હોય છે, જેના થકી વન વિભાગને પ્રતિવર્ષ 11 કરોડ કરતાં વધુની આવક થતી જોવા મળે છે. વન વિભાગને થયેલી આવક ગીર વિસ્તારના સિંહોના સંવર્ધન અને સિંહોની સુરક્ષા પાછળ કરવામાં આવી રહી છે સિંહોની સુરક્ષા આજે આધુનિક ઢબે પણ થઈ રહી છે જેમાં રેડિયો કોલર જીપીએસ અને સીસીટીવી ના માધ્યમથી પણ સિંહોની અવર-જવર અને તેની સતામણી પર ચોક્કસ નજર રાખવામાં આવી રહી છે.