નડિયાદ : ખેડા જિલ્લામાં રાજીવ ગાંધી આવાસ યોજના અનવ્યે બનાવવામાં આવેલાં આવાસોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. આ બાબતે અગાઉના ડીડીઓ દ્વારા તપાસ આદરવામાં આવી હતી. જાેકે, તેઓની બદલી થઇ જતાં મામલો શાંત પડી ગયો હતો. આવાસો બન્યાં ન હોવા છતાં પણ તેની માટે રૂ. ૨૨.૮૦ કરોડ ચૂકવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયાં છે. આ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી હાલમાં પ્રબળ બની છે.  

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૧૩માં રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આવાસો બનાવવાના હતા. આ આવાસો માટે નરેગા અંતર્ગત આવાસો બનાવાયા હતા, પરંતુ આ આવાસો પૈકી મોટા ભાગના બનાવવામાં આવ્યા નથી. અમૂક આવાસો અધૂરાં છોડી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો પણ ઊઠી છે. આવાસો અધૂરાં છોડી દેવામાં આવ્યાં હોવા છતાં તેનાં પૂરેપુરાં નાણાં પણ ચૂકવી દેવામાં આવ્યા છે. સ્થળ પર તપાસ કરવામાં આવે તો આવસો હજુ પણ અધૂરાં છે. સરકારી ચોપડે આ આવસો પૂર્ણ દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવી છે.

આ બાબતે તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગીબેન જૈન દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે, ટંૂકા ગાળામાં જ તેઓની બદલી થઇ જતાં આ પ્રકરણ અભરાઇ પર ચઢી ગયું હતું. આ બાબતે તપાસ કરીને કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી લોકોમાં હાલમાં પ્રબળ બની છે.

ખેડા જિલ્લામાં ક્યાં કેટલાં આવાસો બનાવવાની મંજૂરી અપાઈ હતી?

• કપડવંજ ૨૪

• નડિયાદ ૨૫

• ઠાસરા ૨૪

• કઠલાલ ૨૮

• મહુધા ૧૮

• મહેમદાવાદ ૧૦

• વસો ૯

• ખેડા ૬

• ગળતેશ્વર ૫

• માતર ૩

• કુલ ૧૫૨