યુએન,તા.૫

યુનાઈટેડ નેશન્સના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસે કહ્યુ છે કે કોવિડ-૧૯ની અત્યાર સુધીમાં કોઈ વેક્સીન નથી. એ સમજવાની જરૂરિયાત છે કે આપણે તેને ભેગા મળીને બનાવવી પડશે. તેમણે કહ્યુ કે વેક્સીન બની જાય એટલું પુરતુ નથી. તેને દરેક વ્યક્તિ અને દરેક જગ્યાએ પહોંચાડવા માટે વૈશ્વિક એકતા બતાવવી પડશે. 

ગુટેરસે ગત મહીને પણ ચેતવણી આપતા  કહ્યુ  હતું કે કોરોના મહામારીથી સર્જાયેલા સંકટના કારણે વિશ્વભરમાં મહામંદી આવવાની છે. વિશ્વમાં ભુખમરો અને દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. એવામાં એક જ ઉપાય છે કે તમામ દેશો મળીને આ સમસ્યાનું સમાધાન શોધે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગત મહિને  કહ્યુ  હતું કે કોરોના માટે ૮ વેકસી પર કામ ચાલી  રહ્યુ  છે. સંગઠનના પ્રમુખ ડો.ટેડ્રોસ ગ્રેબયેસસે જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી એવું વિચારવામાં આવી  રહ્યુ  હતું કે વેક્સીન બનાવતા ૧ વર્ષથી ૧૮ મહિના લાગશે. જાકે હવે આ કામને ગતિ અપાઈ રહી છે. એક સપ્તાહ પહેલા વિશ્વના ૪૦ દેશોના નેતાઓએ તેના માટે ૮ અબજ ડોલર(લગભગ ૪૮ હજાર કરોડ રૂપિયા)ની મદદ કરી છે, જાકે આ આર્થિક મદદ આ કામ માટે ઓછી પડશે.