વડોદરા

વડોદરાની આગવી ઓળખ બની ગયેલી એમજી વડોદરા મેરેથોન દ્વારા આ વર્ષે કોરોના મહામારીને પગલે યોજાયેલી એમજી વડોદરા મેરેથોન વર્ચ્યુઅલ મેરેથોનનું આજે સમાપન થયું હતું. આ વર્ચ્યુઅલ મેરેથોનમાં દેશભર સહિત વિદેશમાંથી ૬૮૪૦ દોડવીરોએ ભાગ લીધો હતો.

૪ જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી દરમિયાન એમજી વડોદરા મેરેથોન દ્વારા વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરવામાં આવ્યા બાદ વડોદરા સહિત દેશભર અને વિદેશમાંથી પણ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ એમજી વર્ચ્યુઅલ મેરેથોનને સફળ બનાવી હતી. એમજીવીએમ વર્ચ્યુઅલ મેરેથોન-૨૦૨૧ તમામ ફ્રન્ટલાઈન મેડિકલ કર્મચારીઓ, ઇમરજન્સી કર્મચારીઓ, આવશ્યક સેવાઓના કર્મચારીઓ અને હાલમાં વાઈરસ સામે લડતા તમામ દર્દીઓ જેઓ સ્વસ્થ થયા છે અને જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને કોવિડ-૧૯ માં સમર્પિત કર્યું છે. વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, એમજી વડોદરા મેરેથોન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ મેરેથોન-૨૦૨૧ એ સાબિત કરી બતાવ્યું કે, મહામારીના સમયે પણ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા અને ઉત્સાહ ઓછો થયો નથી. આગામી ૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ એમજી વડોદરા મેરેથોન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

એમજીવીએમ વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેનારાઓએ તેમની નોંધાયેલ કેટેગરી મુજબ ૫ કિલોમીટર, હાફ મેરેથોન ૨૧ કિ.મી., પૂર્ણ મેરેથોન ૪૨ કિ.મી., ૧૦ કિ.મી. ક્વાર્ટર મેરેથોન (૧૦ કિ.મી.) તથા ૫ કિ.મી. અને ૧૦ કિ.મી.ની વોકેથોન ૪ થી ૧૦ જાન્યુઆરીની વચ્ચે યોજાઈ હતી. દોડવીરોને રિપોર્ટ ટાઇમિંગ પ્રમાણે ચકાસણી બાદ પરિણામ ૧૫ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.