ભરૂચ/અંકલેશ્વર,  ગુજરાતભરમાં પક્ષ પલટુઓની સિઝન આવી હોય તેમ પોલિટિકલ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો એક પક્ષમાંથી બીજા પક્ષમાં કુદકા મારી રહ્યા છે. થોડા દિવસ આગાઉ ઝઘડિયાના બિટીપીના ૨૦૦ જેટલા કાર્યકરો બીજેપીમાં જાેડાયા હતા. એક જ દિવસે છોટુભાઈના ગઢમાં આટલું મોટું ગાબડું પ્રથમ વખત નોંધાયું હતું. જાેકે છોટુભાઈએ ભાજપને વળતો જવાબ આપવાનું નક્કી કર્યું હોય તેમ બીજેપી શાસિત ૫ ગામના સરપંચ, ડે.સરપંચ સહિત ૯ ગામના ૨૦૦ થી વધુ સમર્થકોને બિટીપીનો ખેસ પહેરાવી જિલ્લા ભાજપને વળતો જવાબ આપ્યો હતો. 

તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. બીજેપીના કાંઠા વિસ્તારના ગોવાલી ગામના માજી સરપંચ, કાર્યકરો તેમજ રાજપારડી ઉમલ્લા વિસ્તારના બીજેપીના સક્રિય કાર્યકરો સરપંચો તેમજ આગેવાનો બીટીપીમાં જાેડાયને બીજેપી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઝઘડીયાના ઉમલ્લા વિસ્તારનાં ભાજપના સક્રિય કાર્યકર્તા જયદીપસિંહ મહિડા, સરસાડ ગામના સરપંચ અને કાકલપોર ગામનાં ડે સરપંચ અને પંચાયતના સભ્ય, વઢવાણાના સરપંચ હરેશ વસાવા,‌ મહેન્દ્ર સિંહ મહીડા (પંચાયત સભ્ય) અને પાણેથા ગામના હાર્દિક પટેલ, અજય પાટણવાડિયા, રમેશ વસાવા, પ્રવિણ વસાવા, સુરેશભાઈ વસાવા સુથારપરા ગામનાં સરપંચ અંકિત પાંજરોલીયા, યુવા આગેવાન સારસા ગામ સહિત ૨૦૦ થી વધુ કાર્યકરો સાથે વિધીવત રીતે બીટીપીની આગેવાનીમાં છોટુ વસાવાની વિચારધારા સાથે બીટીપીનો ખેસ ધારણ કર્યો છે. પોલિટિકલ પક્ષોમાં જુના કાર્યકરોને મહત્વ, માન સન્માન મળે છે કે અન્ય પક્ષોના આયાતી કાર્યકરો અને આગેવાનોને તે તો આવનાર સમયે દેખાશે.