વડગામ : બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા થેલેસેમિયા અને બ્લડ-કેન્સરથી પીડાતા લોકો તેમજ ઇમર્જન્સીના સમયે જરૂરીયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા મથક પાલનપુર શહેરમાં આબુ હાઇવે પર આર.ટી.ઓ સર્કલ પાસે આવેલ વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જિલ્લાના પ્રવાસે હોઈ તેમના સ્વાગત માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પને જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના વિવિધ મંડળોના ૩૫૧ બોટલના લક્ષ્યાંક સામે ૪૦૦થી વધુ યુવાનોએ રક્તદાન કર્યું હતું. જિલ્લામાં ક્યાંય પણ થેલેસેમિયાથી પીડાતા બાળક હોય કે બ્લડ કેન્સરના રોગી હોય કે પછી કોઇપણ ઈમરજન્સી સમયે જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે એ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, વેરહાઉસિંગ નિગમના ચેરમેન મગનલાલ માળી, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાણાભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, ભારતસિંહ ભટેસરિયા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હરેશભાઇ ચૌધરી, મહામંત્રી રામસિંહભાઈ રાજપુત, પ્રકાશભાઈ ઠાકોર, ડીસા પાલિકાના પુર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, પાલનપુર શહેર ભાજપના પ્રમુખ દિનેશભાઇ પટેલ, મહામંત્રી અતુલ જોશી સહિત હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.