૫૫૪૧ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી
14, સપ્ટેમ્બર 2020

વડોદરા : વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ કર્યા બાદ મેડિકલ ક્ષેત્રમાં જવા માંગતા વિદ્યાર્થીઓમાટે અતિ મહત્વની નીટની લેખિત પરીક્ષા આજે યોજાઈ હતી. વડોદરામાં ૨૦ કેન્દ્રો પર વડોદરા તેમજ વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પરિક્ષાર્થીઓ તેમના વાલી સાથે આવી પહોંચ્યા હતા. પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

દેશભરમાં આજે મેડીકલ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે નીટ ની પરીક્ષા આજે યોજાઈ હતી. ગુજરાતમાં ૨૧૪ પરીક્ષા કેન્દ્રોમાં આજે બપોરે ૨થી ૫ સુધી પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરતા સરકારની ગાઈડ લાઇન મુજબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજની પરીક્ષા લેવાઈ હતી. સવારે ૧૧ વગ્યાથી વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે વડોદરામાં ૨૦ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ અટકાવવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા, હેન્ડ સેનિટાઈઝ, થર્મલ ગનથી ટેમ્પરેચર માપીને સંપૂર્ણ બોડી સેનિટાઇઝ કર્યા બાદ રજીસ્ટ્રેશન માટે જવા દેવામાં આવ્યા હતા. આ સાથે એક વર્ગ ખંડમાં ૧૨ વિદ્યાર્થીઓને જ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડોદરામાં કુલ ૨૦ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા માટે નોંધાયેલા ૭૦૪૦ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૪૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ૧૪૯૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરતા એક વર્ગ ખંડમાં ૧૨ વિદ્યાર્થીઓને જ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટેનો સમય પણ અડધા અડધા કલાકના અલગ અલગ સમય આપવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રોની આસ પાસ ૧૦૦ મીટર સુધી ઝેરોકસની દુકાનો બંધ રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તેમના એડમિટ કાર્ડ, ફોટોગ્રાફ, ટ્રાન્સફરન્ટ બોર્ડ, પેન પેન્સિલ તેમજ પાણીની બોટલ અને સેનિટાઇઝર સાથે રાખવાની છૂટ આપવામાં આવી હતી.

નેટ ની એક્ઝામને બે દિવસ બાકી હોવા છતાં ઉમેદવારો એડમિટ કાર્ડથી વંચિત

યુજીસી દ્વારા આગામી ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન દેશભરમાં નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ યોજાનાર છે. જુનિયર રિસર્ચ ફેલોશીપ તેમજ આસી. પ્રોફેસરશીપ મેળવવા ઇચ્છતા વડોદરામાંથી ૫૦૦થી વધારે ઉમેદવારોએ આ એક્ઝામ માટે એપ્લાય કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવનાર આ એક્ઝામને માત્ર બે દિવસનો સમય બાકી હોવા છતાં હજુ સુધી ઉમેદવારોને તેઓનું એડમિટ કાર્ડ પણ મળ્યું નથી. કોરોનાને કારણે જૂન મહિનામાં યોજાનાર આ પરીક્ષા મોકૂફ કરીને સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવનાર છે. આ પરીક્ષા આપનાર મોટાભાગના ઉમેદવારો હાલમાં વિવિધ જગ્યાઓએ નોકરી કરતા હોય છે. જો આ બે દિવસમાં પણ એડમિટ કાર્ડ મળે તો શહેર કે પછી રાજ્ય બહાર નોકરી કરનાર ઉમેદવારોને તેનાથી હાલાકી ભોગવવી પડે તેમ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution