નડિયાદ : મહાત્મા ગાંધીજીએ મીઠાનાં કર માટે અહિંસાની લડત લડી અંગ્રેજાેને હંફાવી દીધાં હતાં. વર્ષ ૧૯૩૦માં અમદાવાદ સાબરમતી આશ્રમથી છેક દાંડી ગામ સુધી બાપુ ચાલીને ગયા અને ભારે જુવાળ પ્રગટાવ્યો હતો. આ યાદગાર યાત્રાને ૯૧ વર્ષ થતાં ૧૨ માર્ચે આ યાત્રાનો પુનઃ પ્રારંભ કરાશે, જે યાત્રા ખેડા જિલ્‍લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ રોકાણ કરશે. જેનાં પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે.

મીઠાનાં સત્યાગ્રહ માટે સમગ્ર દેશમાં જુવાળ પ્રગટાવનાર દાંડીયાત્રાને ૧૨મી માર્ચે ૯૧ વર્ષ પૂરાં થાય છે. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં આ યાત્રા થકી બ્રિટિશ સરકારને હચમચાવી મૂકી હતી. જેનાં કારણે અંગ્રેજ હુકુમત જુકી હતી. તા.૧૨ માર્ચ ૨૦૨૨ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી પુનઃ આ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા ખેડા જિલ્‍લામાં પ્રવેશ કરશે અને જે રૂટ ઉપરથી દાંડીયાત્રા પસાર થઈ ત્યાં ત્યાં રાતવાસો કરશે, જેમાં ખેડા જિલ્‍લામાં જુદાં જુદાં ત્રણ ગામોમાં પદયાત્રીઓનું રોકાણ કરવામાં આવશે. પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરાશે. ત્‍યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ ખેડાના નવાગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે માતર મુકામે અને છેલ્લે જિલ્લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં રોકાણ કરી આગળ આણંદ જિલ્લામાં જશે. આ બાબતની તમામ વ્યવસ્થાઓ વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે જે ગામમાં આ યાત્રા પ્રવેશ કરશે ત્યાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.