ગુજરાતમાં રોડ અકસ્માતમાં પ્રતિદિન 22 લોકો જીવ ગુમાવે છે; અમદાવાદ ટોચના ક્રમે
21, ઓક્ટોબર 2020 198   |  

અમદાવાદ-

નેશનલ બ્યુરોના અહેવાલ મુજબ, વર્ષ 2019માં રાજ્યમાં 6,711 અકસ્માતની ઘટના સામે આવી હતી અને તમામ ઘટનાઓમાં 8,000 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે, ત્યારબાદ સુરતનો નંબર આવે છે. વર્ષ 2019માં અમદાવાદમાં 421 અકસ્માતની ઘટનામાં 442 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સુરતમાં 290 અકસ્માતની ઘટનામાં 301 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ગુજરાતમાં સુરત, અમદાવાદ, અને સૌરાષ્ટ્રના શહેરોમાં સૌથી વધારે અકસ્માતની ઘટના બને છે અને રાજ્યમાં દરરોજ 18 અકસ્માત થાય છે અને 22 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. મોટાભાગના અકસ્માત વાહન ચાલકની બેદરકારીના કારણે થતા હોવાનું સામે આવી રહ્યું છે. 

મહત્ત્વની વાત છે કે, વર્ષ 2019માં 5,792 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી એટલે કે રાજ્યમાં સરેરાશ પ્રતિદિન 15થી 16 લોકો અકસ્માતના પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોવાની માહિતી પણ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પરથી મળી રહી છે. રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં 39 હજાર કરતા વધુ લોકો અકસ્માતના કારણે જીવ ગુમાવી ચૂકયા છે. 

આંકડા અનુસાર ,વર્ષ 2015માં 8,037 લોકોએ, વર્ષ 2016માં 8,011 લોકોએ, વર્ષ 2017માં 7,574 લોકોએ વર્ષ 2018માં 8,040 લોકોએ અને વર્ષ 2019 માં 7,988 લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. વર્ષ 2019માં બનાસકાંઠામાં 352, ભરૂચમાં 293, ગાંધીનગરમાં 219, ગોધરામાં 239 લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution